ગુજરાત

વડોદરામાં સ્કુલ કોરોનાના કેસ છુપાવશે તો એપેડેમિક એક્ટની કાર્યવાહી થશે

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો ઘટતા જાય છે. બીજી તરફ બે દિવસમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જેના પગલે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. મંગળવારે શહેરમાં ૧૧ નવા કેસ આવ્યા હતા. ગોત્રી, નવાયાર્ડ, ગોકુલનગર, ફતેપુરા, દિવાળીપુરા અને નવી ધરતીમાં નવા કેસો આવ્યાં હતા. હાલમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૯૫ જેટલી છે. જેમાં ૨ની ઓક્સિજન પર અને ૨ની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. પશ્ચિમ ઝોનમાં ૭ અને ઉત્તર ઝોનમાં ૪ નવા કેસ આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ મ્યુકોરમાઇકોસિસના કેસો પણ હવે ભાગ્યે જ આવી રહ્યાં છે.

હાલમાં સયાજી હોસ્પિટલમાં ૪ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઇ રહ્યાં છે. વડોદરાની નવરચના સમા,નવરચના ઇન્ટરનેશન ભાયલી તથા સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો હતો જયારે સંત કબીર સ્કૂલમાં શિક્ષિકાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ડીઇઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી જણાવ્યું છે કે, શાળામાં કોઇ વિદ્યાર્થી,શિક્ષક કે અન્ય કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવે તો તે અંગેની જાણ તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર અને ડીઇઓ કચેરી ખાતે જાણ કરવી પડશે. શાળામાં પ્રવેશ સમયે કોઇ વિદ્યાર્થી શંકાસ્પદ લક્ષણો ધરાવે તો વાલીનો સંપર્ક કરી ડોકટરનો સંપર્ક કરવાની તાકીદ કરાઇ છે. કોરોના પોઝેટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી તેમજ અન્ય વ્યક્તિઓનું કોન્ટેકટ લિસ્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપવાનું રહેશે.

જાે કોઇ શાળા કોવિડ-૧૯ અંગેની એસઓપીનું પાલન કરવામાં ચૂક કરશે તે શાળાઓ સામે એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ફરજ પડશે. શાળાઓ બાદ હવે એમ.એસ. યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત થઇ છે. જેને પગલે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત થતાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે સ્કૂોલોમાં એક વખત સેનિટાઇઝીંગ કરાય છે. સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બાળકોને તેમના પાણીની બોટલ ઘરેથી લાવવાની સૂચના છે અને કોઇને જાેડે તે આપ લે ના કરે તેનું ધ્યાન રાખવામાં આવે છે. સ્કૂલના ગેટ પર સેનેટાઇઝર અને થર્મલ ગન થી ચેકીંગ કરવામાં આવે છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૫૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૮૧, ઉત્તર ઝોનમાં ૧૧,૮૯૬, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૯૭, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૧૧ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે

Follow Me:

Related Posts