વડોદરામાં હેડકોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પર લાકડીથી હુમલો કરાયો
પાણીગેટ પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનુભાઇ માલાભાઇ તા. ૯ માર્ચની રાત્રે નેશનલ હાઇવે નંબર-૪૮ લીલુડી ધરતી હોટલ પાસે નાઇટમાં ફરજ ઉપર હતા. તેઓ સાથે હોમગાર્ડ જવાન દિપક વિઠ્ઠલરાવ નેવાલકર ફરજ ઉપર હતા. તેઓના પોઇન્ટ પાસે જાેરશોરથી બુમરાણનો અવાજ આવતા બંને જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને બુમો પાડી ઝઘડો કરી રહેલા ત્રણ યુવાનોના નામ પૂછી તેઓને રવાના થઇ જવા માટે જણાવ્યું હતું, જેથી ત્રણેય સ્થળ પરથી પોતાના ટુ વ્હીલર ઉપર રવાના થઇ ગયા હતા. અને બંને જવાનો પણ પોતાના પોઇન્ટ ઉપર આવી ગયા હતા. દરમિયાન અડધો કલાક બાદ ત્રણેય યુવાનો લાકડા ડંડા લઇ લીલુડી ધરતી હોટલ પાસે આવી પહોંચ્યા હતા અને નાઇટમાં ફરજ બજાવી રહેલા પાણીગેટ પોલીસ મથકના પોલીસ જવાન દિનુભાઇ માલાભાઇને જણાવ્યું કે, અમને જવાનું કેમ કહ્યું.
તેમ જણાવી માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત અનિલ ઉર્ફ ઉક્કી માળીએ હોમગાર્ડ જવાન દિપક વિઠ્ઠલરાવને પકડી રાખ્યો હતો અને તેના બે સાગરીત કિરણ મોરે અને કરણ કદમે લાકડીઓથી હોમગાર્ડ જવાન દિપક નેવાલકરને માર મારી ઇજા પહોંચાડી હતી. જેમાં તેઓને હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનને માર માર્યા બાદ હુમલાખોર ત્રિપુટીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. નેશનલ હાઇવે ઉપર મોડી રાત્રે બનેલા આ બનાવે શહેર પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મુકી હતી. પાણીગેટ પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનુભાઇ માલાભાઇએ પાણીગેટ પોલીસ મથકમાં હુમલાખોર ત્રિપુટી કિરણ નથ્થુરાવ મોરે (રહે. વાડી હનુમાન પોળ, શ્રીજી ધામ કોમ્પ્લેક્ષ, કરણ મહેન્દ્ર કદમ (રહે. મસ્કેની ચાલ, પ્રતાપનગર, વડોદરા) અને અનિલ ઉર્ફ ઉક્કી માળી (રહે. માળી મહોલ્લો, ગાજરાવાડી) સામે ફરિયાદ નોંધાવી હતી.
પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે ત્રિપુટી સામે સરકારી કામગીરીમાં દખલ ગીરી અને પોલીસ ઉપર હુમલાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર નાઇટ શિફ્ટમાં ફરજ બજાવી રહેલા પાણીગેટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન ઉપર ત્રણ યુવાનો દ્વારા લાકડીઓથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયો છે. ફરજ બજાવી રહેલા પોલીસ જવાનોએ હાઇવે ઉપર ઝઘડો કરી રહેલા ત્રણ યુવાનોને ઠપકો આપી ઘરે રવાના કરી દીધા હતા. જેથી ત્રિપુટીએ પોલીસ જવાન અને હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો હતો.
Recent Comments