ગુજરાત

વડોદરામાં ૧૦ દિવસમાં ૨ વિદ્યાર્થી અને ૧ શિક્ષક પોઝિટીવ આવતા વાલીઓ ચિંતિત

વડોદરા શહેરના હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનો વધુ એક ખુલાસો થયો છે. ધો.૬(સી)ના આ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં માત્ર આ જ વર્ગના તમામ પિરિયડ ૨૦થી ૨૪મી ડિસેમ્બર સુધી ઓનલાઇન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાેકે, એક જ ક્લાસને ઓનલાઇન કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ક્લાસ ઓફલાઇનમાં ચાલુ જ રાખવામાં આવ્યા છે. શાળાએ ક્લાસ બંધ રાખવા માટેની કોઇ ગાઇડલાઇન ન હોવાથી શાળાઓ ક્લાસ ચાલુ રાખી રહી છે.

છેલ્લા ૧૦ દિવસમાં વડોદરામાં હવે ૩ વિદ્યાર્થી-શિક્ષકો પોઝિટિવ આવી ચૂક્યા છે.કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા ૧૦ જ નવા દર્દી નોંધાયા હતા. શહેરના ગોત્રી, નવીધરતી, તાંદળજા, અકોટા, કપુરાઇ અને વડસર ખાતે આ નવા કેસ આવ્યા હતા. દિવસ દરમિયાન ૫,૨૯૦ નમૂનાઓનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ ૧૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં કુલ ૧૦૪ એક્ટિવ દર્દીઓ છે. જેમાં ૨ને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. શહેરમાં ૪૫૯ લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ રવિવારે નોંધાયો ન હતો. રવિવારે એક દર્દીને સયાજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

હાલમાં સયાજી હોસ્પિટલમાં ૪ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગત ૮મી ડિસેમ્બરે ૮ દર્દીઓ નોંધાયા પછી ૧૧ દિવસ બાદ સૌથી ઓછા દર્દીઓ આવ્યા હતા. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૫૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૭૦, ઉત્તર ઝોનમાં ૧૧,૮૯૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૯૦, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૧૦ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. આ વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જાેકે, આ અંગે સત્તાવાર સમર્થન નથી મળતું. આ વિદ્યાર્થી ૧૦મી તારીખ બાદ સ્કૂલે આવ્યો ન હોવાની સ્પષ્ટતા પેરેન્ટ્‌સ એસોસિયેશન સમક્ષ શાળાનાં આચાર્યા દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ રવિવારે ઓમિક્રોનનો કોઇ પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હાલમાં ઓમિક્રોનના દર્દીઓની સારવાર માટે માત્ર બે હોસ્પિટલોને જ માન્યતા આપવામાં આવી છે. જેમાં એક હોસ્પિટલ વડસરમાં છે, જ્યારે બીજી હોસ્પિટલ પૂર્વ વિસ્તારમાં છે. હાલમાં આ પૈકી એક જ હોસ્પિટલમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૫૧૬ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૭૮૯ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.

Follow Me:

Related Posts