વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી ૧૧૧ ફૂટની શિવજીની પ્રતિમાને ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જાેકે પ્રતિમાનું લોકાર્પણ ૧૮ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે ૧૭.૫ કિલો સોનું વપરાયું હતું.
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. એની સાથે શહેરના મધ્યબિંદુ સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઊંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઈ જતાં મહાશિવરાત્રિ પર્વે એનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં આજે પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યા હતા. સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ કાઢવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
વર્ષ-૨૦૧૩થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જાેડાય છે. ૨૦૧૭માં શ્રી સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઊંચી આદર્શનીય પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યોગાનુયોગ ૫ ઓગસ્ટ ૨૦૨૦ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.
શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડૉ. કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓએ ૧૧૧ ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે ૧૭.૫ કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા ૧૨ કરોડના અંદાજિત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યું છે. હવે આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણજડિત થઈ ગઈ છે, જેનું લોકાર્પણ આગામી ૧૮ ફેબ્રુઆરી મહાશિવરાત્રિની સંધ્યાએ થશે.
મહાશિવરાત્રિની બપોરે ૩-૩૦ વાગ્યે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી-ચોખંડી- માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડિયાબજાર થઈ સાંજે ૭ વાગ્યે સુરસાગર પહોંચશે, જ્યાં ૭ઃ૧૫ વાગ્યે મહાઆરતી યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જાેડાશે અને મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણજડિત પ્રતિમા ખુલ્લી મુકાશે. મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે.
Recent Comments