વડોદરામાં ૧૧ હજારની ઉઘરાણી માટે શખસોએ પરિવાર પર હુમલો કર્યો, વડીલ ઇજાગ્રસ્ત થયા
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ૧૧ હજાર રૂપિયાની ઉઘરાણી માટે સૂરજ ઉર્ફે ચૂઈ કહાર અને અન્ય બૂટલેગરોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘરના વડીલ મગનભાઈ સોલંકી ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને આરોપી સૂરજ ઉર્ફે ચૂઈ કહારની ધરપકડ કરી છે. મગનભાઈ નાથાભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘રાત્રે તે તથા તેમનાં પત્ની પુષ્પાબેન તથા દીકરી ઈલાબેન ઘરે સૂતાં હતાં ત્યારે પુત્ર નીરવનો મિત્ર મહર્ષિ બ્રહ્મભટ્ટ તેની સાથે બીજાે એક માણસ પણ હોઈ, તેઓ બૂમો પાડીને બોલતા હતા કે જરી ખોલો. જાળી ખોલતાં જ એક ઇસમે મગનભાઈને જાેરથી મોઢા પર મુક્કો માર્યો હતો અને કોઈ હથિયારથી હુમલો કરતાં મગન સોલંકીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. માથાભારે શખસોએ પરિવારને અપશબ્દો કર્યા હતા અને મગનભાઈનાં પત્નીને પણ લાતો અને લાફા માર્યા હતા.
આસપાસના લોકો આવી જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. પુત્ર નીરવ મગનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. મગનભાઈની ફરિયાદના આધારે મહર્ષિ બ્રહ્મભટ્ટ, સૂરજ ઉર્ફે ચૂઇ કહાર સહિતના ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે અને સૂરજ ઉર્ફે ચુઇ કહારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના માથાભારે સૂરજ ઉર્ફે ચૂઈ કહાર સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. હત્યા, મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓમાં તે ઘણી વખત પકડાયેલો છે. હત્યાના કેસમાં જામીન પર છૂટ્યા પછી તેણે જેલમાંથી ઔડી કારમાં સાગરીતો સાથે રેલી કાઢી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેથી પોલીસે સૂરજ સામે ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી હતી. પછી સૂરજની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ધર્મેશ માછી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
વડોદરા શહેરમાં અવારનવાર વૃદ્ધો અને વૃદ્ધ દંપતીઓને બંધક બનાવીને લૂંટની ઘટનાઓ બને છે. આ વખતે વૃદ્ધ દંપતીને માર મારીને ઉઘરાણી કરવાનો બનાવ સામે આવ્યો છે. આવાં અસામાજિક તત્ત્વો પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા છે. એક મહિના પહેલાં જ વડોદરાના વોર્ડ નંબર-૧૭ના મહિલા ભાજપના કાઉન્સિલરના વાસણા રોડ આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા ભાઈ અને ભાભીને બંધક બનાવી લૂંટ ચલાવનાર ટોળકીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ગુનામાં લૂંટના ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત ૬ને ઝડપી પાડ્યા હતા, જ્યારે ૫ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.પોલીસે લૂંટારુ ટોળકી પાસેથી ૫ મોબાઇલ ફોન અને ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલી બે મોટરસાઇકલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના ઓરમાન પુત્રની સંડોવણી હોવાનું બહાર આવતાં રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો.
Recent Comments