વડોદરામાં દોઢ મહિનાના અને ૪૦ દિવસના ૨ શિશુને કોરોના થતાં સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના કોવિડ વોર્ડમાં સારવાર અપાઇ રહી છે. બંને શિશુની માતાને પીપીઇ કીટ પહેરી અને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે બાળકને ફિડિંગ કરાવવા સાથે રહેવુ પડે છે. આ અંગે પીડીયાટ્રીક વિભાગના હેડ ડો. શીલા ઐયરે જણાવ્યું હતું કે, હાલમાં ત્રીજી લહેરમાં ૩ પૈકી ૨ બાળકો પીડિયાટ્રીક વિભાગમાં સારવાર હેઠળ છે. બાળકો માત્ર માતાના ધાવણ રહેતા હોવાથી માતાઓને કોઈ ગાઇડલાઇન પાલન સાથે તેમની સાથે રાખવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં ૧૨,૫૦૦ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
જેમાંથી ૨૬.૦૪ ટકા પોઝિટિવિટી રેટ સાથે ૩૨૫૫ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, ૯ જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ ૩.૯૬ ટકા હતો, જે ૧૨ દિવસ બાદ ૨૫ જાન્યુઆરીએ ૬ ગણો વધીને ૨૬.૦૪ ટકા ઉપર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ છેલ્લા ૩ દિવસથી સતત ઘટી રહ્યો છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૧૯,૯૧૦ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૧૯,૩૭૨ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૫૩૮ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
૨૯ દર્દીઓ વેન્ટિલેટર પર, ૭૫ દર્દીઓ આઇસીયુમાં અને ૧૭૭ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૧૩,૦૨૦ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં સોમવારે બાપોદ, અકોટા, રામદેવનગર, માંજલપુર, માણેજા, હરણી, એકતાનગર, આજવા રોડ, શિયાબાગ, ગાજરાવાડી, કપુરાઈ, ગોત્રી, નવાપુરા, અટલાદરા, મકરપુરા, વડસર, છાણી, સવાદ અને દંતેશ્વર વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. વડોદરામાં સોમવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં ૪૫૩, પશ્ચિમ ઝોનમાં ૭૭૧, ઉત્તર ઝોનમાં ૫૬૦ અને દક્ષિણ ઝોનમાં ૭૫૦ કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં ૭૨૧ કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં સોમવારે વધુ ૯૨૮૧ લોકોએ રસી મુકાવી હતી, જ્યારે બુસ્ટર ડોઝ લેનારની સંખ્યા ૨૪૦૬ નોંધાઈ હતી.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અંદાજે ૫૦ ઉપરાંત રસીકરણ કેન્દ્રો પર ચલાવવામાં આવી રહેલું રસીકરણ પૂર્ણતાના આરે છે. સેકન્ડ ડોઝ લેનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. બીજી તરફ બુસ્ટર ડોઝમાં સિનિયર સિટીઝનનો ઉત્સાહ ચાલુ રહેતાં તેના આંકડા ૨ હજાર ઉપરાંત જાેવા મળી રહ્યા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૩૨૫૫ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા એક લાખને પાર થઇને ૧૦,૩૦૦૦ ઉપર પહોંચી ગઇ છે. સોમવારે વધુ ૧૪૧૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૮૨,૪૬૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. વધુ ૨ દર્દીના મોત થયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ ૬૩૦ દર્દીના મોત થયા છે.
Recent Comments