વડોદરા આવાસ ફાળવણીઃ ભાજપના બે નગરસેવકોના નામે ખૂલતા રાજકારણ ગરમાયું
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ ફાળવણીમાં આચરવામાં આવેલી ગેરરીતિમાં ભાજપના જ બે નગરસેવકોના નામ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. હાલ સમગ્ર મામલો ક્રાઈમ બ્રાન્ચે પોતાની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૭ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના ૫ વર્ષની ઉજવણી પ્રસંગે વડોદરામાં ૩૮૨ આવાસના લાભાર્થીઓ માટે ડ્રો કરવામાં આવ્યો હતો. જાે કે બે દિવસ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જે લિસ્ટ અપલોડ કરવામાં આવ્યું હતું, તેમાં ૪૨ લાભાર્થીઓના નામોમાં વિસંગતતા જાેવા મળી હતી. જેને લઈને કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડના કર્મચારી નિશિત પીઠવાની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરવામાં આવેલ કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવાનું કહેવું છે કે, કોઈના પ્રેશરથી તેણે નામ બદલ્યા હતા. જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ અને તેમાં ભાજપના જ બે નગર સેવક મનોજ પટેલ અને કલ્પેશ પટેલના નામ ઉછળ્યાં છે.
જાે કે મનોજ પટેલનું કહેવું છે કે, તેઓ નગર સેવક હોવાથી લાભાર્થીઓ તેમની પાસે રજૂઆત કરવા આવે એટલે અમારે તંત્રમાં ભલામણ કરવી પડે. આ લાભાર્થીનું નામ બન્ને લિસ્ટમાં છે, આથી પ્રેશર કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.
જ્યારે અન્ય કલ્પેશ પટેલનું કહેવું છે કે, તેમણે આવી કોઈ ભલામણ કરી જ નથી. કોંગ્રેસના રાજથી જ અધિકારીઓ બેફામ બન્યા છે. જ્યાં સુધી ૫-૬ અધિકારીઓ સસ્પેન્ડ ના થાય, ત્યાં સુધી અન્ય અધિકારીઓ નહીં સુધરે. રાજકીય બદલાની ભાવનાથી મારું નામ ઉછાળવામાં આવ્યું છે. જેમાં સંડોવાયેલા કોઈને ભાજપ છોડશે નહીં.
બીજી તરફ સમગ્ર કૌભાંડ બહાર લાવનારા ભાજપના જ અન્ય નગર સેવક અજિત દધિચનું કહેવું છે કે, ડ્રોમાં જેમનું નામ આવે, તેમને જ આવાસ મળવા જાેઈએ. લાભાર્થીઓએ મને રજૂઆત કરતાં મે સિટી એન્જિનિયરનું ધ્યાન દોર્યું હતું. સરકારી આવાસ મામલે કોઈ ભલામણ વિના સિસ્ટમ મુજબ જ કામ થવું જાેઈએ. આટલું જ નહીં, આ મામલે જે કોઈ પણ સંડોવાયા હોય તેમની સામે કાર્યવાહી થવી જ જાેઈએ.
Recent Comments