ગુજરાત

વડોદરા પાસે આવેલા પાદરાના ચોકારી ગામે ખેતરમાંથી મૃત અવસ્થામાં આધેડ મળી આવ્યા

વડોદરા પાસે આવેલા પાદરાના ચોકારી ગામે એક દુઃખદ ઘટના બની હતી જેમાં પાણી ભરાયેલા ખેતરમાં આધેડ મળી આવ્યા હતા. તેઓને સારવાર અર્થે વડું સરકારી દવાખાને લઇ જવામાં આવતા ફરજ પરના હાજર તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે પાદરા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. ત્યાર બાદ સમગ્ર મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મામલે પ્રાથમિક માહિતી અનુસાર, બાબરભાઇ ઉર્ફે ભયલાલભાઇ રયજીભાઇ સોલંકી (ઉં.૫૬) પાદરાના ચોકારી ગામે આવેલા શાહપુરા વિસ્તારમાં રહેતા હતા. તેઓને દારૂ પીવાની આદત હતી. એટલું જ નહી તેઓ દારૂ પીને ગમે ત્યાં સુઇ જતા હતા. દરમિયાન તાજેતરમાં તેઓ સવારે ૭ વાગ્યે મહીસાગર નદીમાં નાહવા જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેઓ પરત ફર્યા ન્હતા. જે બાદ મુજપુરા ગામે પટેલનો વગો તરફ જવાના ગેટ સામે ખેતરમાં ભરાયેલા પાણીમાં પડેલી હાલતમાં તેઓ મળી આવ્યા હતા. ત્યાર બાદ તેઓને સારવાર અર્થે તાત્કાલીક વડું સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના બાદ તેમના પુત્ર વિક્રમભાઇ બાબરભાઇ સોલંકીએ પાદરા પોલીસ મથકમાં અકસ્માતે નોંધની ફરિયાદ કરાવી છે. જે બાદ પાદરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ ભીખાભાઇને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ બાદ શું સામે આવે છે, તેના પર સૌ કોઇની ચોક્કસ થી નજર રહેશે.

Related Posts