વડોદરા પાસે છેલ્લા ૨૪ કલાકમાં ૩ અકસ્માત, મહિલા સહિત ૩ના મોત, ૨ ઇજાગ્રસ્ત
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાં અકસ્માતની ૩ ઘટનાઓ બની હતી. જેમાં ૩ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવો સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સયાજીપુરા ગામમાં રહેતા અબ્દુલ સત્તાર સલાટ ૪ ફેબ્રુઆરીના રોજ મિત્રની ઇકો કાર લઇ પરિવાર સાથે રાજસ્થાન લગ્નમાં ગયા હતા ૮ ફેબ્રુઆરીના રોજ તેઓ પરત આવી રહ્યા હતા, તે દરમિયાન વડોદરા નજીક આજવા રોડ પર આવેલા રવાલ ગામની સીમમાં સામેથી આવતા ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલકની બહેન રીઝવાના, બનેવી સબ્બીર અલી સલાટ અને દીકરા અલમસ સલાટને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ૩૫ વર્ષીય રીઝવાના બહેનનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રોલી સાથે નાસી છૂટ્યો હતો.
બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને સિકયુરિટી ગાર્ડની નોકરી કરતા ૩૮ વર્ષીય વેદપ્રકાશ ચતુર્વેદી તેમના મિત્ર અજીતસિંગ રાજપૂત સાથે પોર ખાતે રહેતા સંબંધી અનિલસિંગ રાજપૂતના ઘરે આવ્યા હતા. દરમિયાન ૮ ફેબ્રુઆરીના રોજ ત્રણેય વ્યક્તિ પોરથી વાપી નોકરી જવા માટે નીકળ્યા હતા અને વડોદરાથી સુરત જતા નેશનલ હાઇવે નં-૪૮ ઉપર બસની રાહ જાેઇને ઊભા હતા દરમિયાન તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે અજાણ્યા ટ્રક ચાલકે ૩૮ વર્ષીય વૈદ પ્રકાશ ચતુર્વેદીને અડફેટે લીધા હતા અને અકસ્માત કરીને ટ્રકચાલક નાસી છૂટ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા વૈદપ્રકાશને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષીય ગોવર્ધનભાઈ યાદવ ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાના દિકરાને ફર્નિચરના ઓજારો આપવા માટે પોતાનું બાઇક લઇને નીકળ્યા હતા, તે સમયે દુમાડ ચોકડી ખાતે મીની બસે બાઈકચાલક ગોરધનભાઇને અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માત કરનાર બસ ચાલક એજાજ શેખ(રહે, કર્ણાટક)ને પોલીસે ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments