વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનના એસી કોચમાંથી ૧૧.૭૯ લાખની ચોરી કરીને ભાગતા ચોરને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો
ગોવા-સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં રૃા.૧૧.૭૯ લાખ કિંમતના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી થયા બાદ વડોદરા રેલવે સ્ટેશન પર ઉતરી ગયેલા ચોરને મુદ્દામાલ સાથે રેલવે પોલીસે ઝડપી પાડયો હતો. આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસના માણસો વોચમાં હતા ત્યારે પ્લેટફોર્મ નંબર-૨ પર સુરત તરફના દાદર પાસેથી એક યુવાન ખભા પર બેગ લઇને શંકાસ્પદ હાલતમાં જણાયો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતાં તે બેગ મૂકીને ભાગ્યો હતો પરંતુ પોલીસે તેનો પીછો કરીને ઝડપી પાડયો હતો.
પોલીસે તેનું નામ પૂછતાં શમશેરસિંગ ઉર્ફે શેરા અનુપસીંગ ગીલ જાણવા મળ્યું હતું. પોલીસે તેની બેગ ચેક કરતાં ચેરી કલરનું એક હેન્ડપર્સ મળ્યું હતું. આ પર્સમાં રૃા.૧૧.૭૯ લાખ કિંમતના સોનાના દાગીના તેમજ મોબાઇલ અને લક્ષ્મી ઇશ્વરપ્રસાદ (રહે.મુજફ્ફરનગર, ઉત્તર પ્રદેશ) મળ્યું હતું. ઝડપાયેલા શમશેરસિંગે પોલીસને જણાવ્યું હતું કે ગોવા-સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના બી-૪ કોચમાંથી ચોરી કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આધારકાર્ડ અને મળેલા મોબાઇલના આધારે સંપર્ક કરતા લક્ષ્મી ઇશ્વરપ્રસાદ પોતે રતલામ પાસે પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું પોતાનું પર્સ મળતાં તેઓ વડોદરા દોડી આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે મુંબઇ રહેતા પુત્રને ત્યાં સામાજિક પ્રસંગમાં હાજરી આપીને તેઓ પરત ઘેર જતા હતા ત્યારે ટ્રેનમાં ચોરીની ઘટના બની હતી.
Recent Comments