વડોદરા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે એક દંપતીએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુકાવ્યું
વડોદરા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે એક પુરુષ અને મહિલાએ પસાર થઈ રહેલ ટ્રેન નીચે પડતું મૂકીને જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસ તપાસમાં આ દંપતિ વડોદરાના ખોડિયારનગર ઉપવન હેરીટેજમાં રહેતું હતું. આ યુવાન વેપારી દંપતિએ ગૃહકલેશમાં આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. રાત્રે દંપતિ ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. દરમિયાન તેઓને બનાવની જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં ઉપવન હેરીટેજમાં માતા-પિતા સાથે રહેતા ૨૪ વર્ષિય સુરજ રામમણી પાંડે અને તેમની ૨૩ વર્ષિય પત્ની નિલુબહેન પાંડેએ મોડી સાંજે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે જઇ પસાર થતી ગુડ્ઝ ટ્રેનની સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સુરજ અને તેની પત્ની નિલુ સાથે મળીને હરણી એરપોર્ટ પાસે ક્લિનીંગની ચિજવસ્તુઓની શોપ ચલાવતા હતા.
મંગળવારે સાંજે ૫ વાગે દુકાન બંધ કરીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને એક કલાક સુધી સ્ટેશન ખાતે રોકાયા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું. સાંજે વડોદરા નજીક વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે એક મહિલા અને પુરુષે પસાર થઈ રહેલ ગુડ્ઝ ટ્રેનની સામે પડતું મૂકીને આપઘાત કરી લેતા સંનસનાટી મચી જવા પામી હતી. રેલવે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બીજી બાજુ મૃતકોની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન મોડી રાતથી દુકાનેથી ઘરે ન આવનાર દંપતિની શોધખોળ કરી રહેલા પરિવારજનોને સવારે અખબારો દ્વારા ખબર પડી હતી કે, એક યુવાન અને યુવતીએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. અને તેઓનો મૃતદેહો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યા છે.
દરમિયાન દંપતિના પરિવારજનો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે દોડી આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરી હતી. ત્યાર બાદ તેઓએ રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર સુરજ પાંડે અને નિલુ પાંડે છે. અને તેઓ ખોડિયારનગર ઉપવન હેરીટેજમાં રહેતા તેમજ તેઓ પતિ-પત્ની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકલેશમાં તેઓએ આપઘાત કરી લીધો હોવાનું પણ બહાર આવ્યું હતું. મૂળ યુપીના પ્રયાગરાજના વતની સુરજ પાંડે અને નિલુ પાંડેના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા.
પત્ની સાથે આપઘાત કરી લેનાર સુરજ પાંડેના મોટા બાપાએ જણાવ્યું હતું કે, મોડી રાત દરમિયાન સુરજ અને તેની પત્ની નિલુ ઘરે ન આવ્યા ન હતા. સુરજને ફોન કરવા છતાં તેને ફોન રિસીવ કર્યો ન હતો. જેથી અમે ચિંતાતૂર બની ગયા હતા. આખી રાત શોધખોળ કરવા છતાં, તેઓનો પત્તો મળ્યો ન હતો. દરમિયાન સવારે અખબારોમાં સમાચાર વાંચતા અમે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં જઈને તપાસ કરતા સુરજ અને નિલુની લાશ હોવાનું બહાર હતું.
Recent Comments