કોરોનાના ગંભીર કેસો વધુ નોંધાવાના શરૂ થયા બાદ વડોદરામાં ૧૯મી ઓગસ્ટ, ગુરુવારે પહેલીવાર વેન્ટિલેટર પર સમગ્ર શહેર-જિલ્લામાં વેન્ટિલેટર પર એકેય દર્દી સારવાર હેઠળ નથી. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં કોરોનાના માત્ર ૧૯ એક્ટિવ દર્દીઓ છે. જેમાંથી માત્ર ૧ દર્દી જ પ્રમાણમાં ગંભીર છે જેને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. બીજી તરફ શહેરમાં ગુરૂવારે ૪ અને જિલ્લામાં એક સહિત કુલ ૫ નવા કેસ નોંધાયા હતા. વડોદરામાં વાઘોડિયા રોડ, પંચવટી, સિંધવાઇ માતા રોડ અને નિઝામપુરામાં કોરોનાનો એક-એક નવો કેસ આવ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારના રણોલીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૧,૯૩૯ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૨૯૭ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. ગુરૂવારે ચિકનગુનિયાના ૨૬ કેસ અને ડેન્ગ્યુના ૨૧ કેસ નોંધાયા હતા.
વડોદરા શહેરમાં ગુરુવારે યોજાયેલા રસીકરણમાં ૧૦,૫૮૫ લોકોએ રસી મૂકાવી હતી. જે પૈકી ૧૮ વર્ષથી ઉપરના ૧૭૫૫ લોકોએ પ્રથમ ડોઝ અને ૩૧૧૦ લોકોએ બીજાે ડોઝ લીધો હતો. ૪૫ વર્ષથી ઉપરના ૧૩૨૩ લોકોએ પ્રથમ અને ૧૫૦૧ લોકોએ બીજાે ડોઝ લીધો હતો. જ્યારે ૬૦ વર્ષથી ઉપરના ૧૪૪ લોકોએ પ્રથમ અને ૧૫૮૭ લોકોએ બીજાે ડોઝ લીધો હતો.
વડોદરા શહેરમાં ધીમે ધીમે હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો શહેરને ભરડામાં લઈ રહ્યું છે. શહેરમાં ગુરુવારે ડેન્ગ્યુના લીધેલા ૮૫ સેમ્પલમાંથી ૨૧ કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના લેવાયેલા ૬૫ નમૂનામાંથી ૨૬ નમૂના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ કમળાના ૫ અને ટાઈફોડના ૪ કેસ મળતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. શહેરમાં એક જ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૬૯ કેસ નોંધાયા હતા. જ્યારે તાવના ૨૫૧ કેસ સામે આવ્યા છે અને શંકાસ્પદ કોલેરાનો ૧ કેસ સપાટી પર આવતા આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઈ છે.
Recent Comments