વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ૯૭ દિવસ બાદ ખૂલ્લુ મૂકાયું

કોરોના મહામારીના કાબૂમાં આવતા ૯૭ દિવસ બાદ વડોદરા શહેરમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય આજથી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. પહેલા દિવસે જ મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા.
અનલોકના પ્રથમ તબક્કામાં માત્ર મોર્નિગ વોકરો માટે સયાજીબાગ ખોલવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવતા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી સુમસામ ભાસતું પ્રાણી સંગ્રહાલય આજે ફરીથી સહેલાણીઓની ચહલપહલથી ધમધમી ઉઠ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેર જીવલેણ બની ગઇ હતી. જેના કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ૧૯ માર્ચ-૨૦૨૧ના રોજ સયાજીબાગની સાથે પ્રાણી સંગ્રહાલય પણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ૯૭ દિવસ પછી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
સહેલાણીઓ સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઇ શકશે. પરિણામે ફરી એક વાર લોકોની ચહેલ પહેલ જાેવા મળશે. આ દરમિયાન સહેલાણીઓને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. જાેકે, પક્ષીઘરના નવિનીકરણની કામગીરી ચાલુ હોય સહેલાણીઓ માટે પક્ષીઘર વિભાગ બંધ રાખવામાં આવ્યું છે અને દર ગુરુવારે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે.
Recent Comments