fbpx
અમરેલી

વધતી જતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે ‘આપ’ની મહિલા વિંગે ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું.

ગુજરાતમાં મહિલાઓ ઉપરના વધતાં જતાં અત્યાચારોને રોકવા માટે પગલાં લેવા બાબતે તેમજ આ બાબતે નિષ્ફળ નીવડેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા બાબતે આજે આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રદેશના મહિલા નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપાયું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ગર્વોક્તિઓ અને મિથ્યા-અહંકાર કરતી સતત જોવા મળે છે અને પોતાની જાતને ભરોસાની સરકાર કહેવડાવે છે પણ આ જ ભાજપ સરકારના (કુ)શાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતત ને સતત વધારો જ થતો જાય છે. વર્તમાન ગૃહમંત્રીના (કુ)શાસનમાં તો અપરાધીઓ બેફામ બન્યા છે.

છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે. દાહોદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને હવે ભાયલી (વડોદરા)માં 16 વર્ષની એક માસુમ દિકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓને કારણે ગુજરાતની દિકરીઓ-મહિલાઓ ખુબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે ત્યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ, એને બદલે ગૃહમંત્રી ફાંકા-ફોજદારી, ફાલતું નિવેદનો અને રીલ બનાવવામાં વ્યસ્ત છે. આ પરિસ્થિતિમાં ગુજરાતની મહિલાઓએ શું કરવું? આથી ગુજરાતના તમામ પરિવારો વતી અમારી એ માંગણી છે કે ગુજરાતની કાયદા-વ્યવસ્થાની સ્થિતિને તાત્કાલિક સુધારીને મહિલાઓને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવે અને આવી કથળેલી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે. આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું આ તકે અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ એડવોકેટ કવિતાબેન પરમાર તથા જિલ્લા પ્રમુખ નિકુંજભાઇ સાવલિયા, જિલ્લા પદાધિકારી જેરામભાઈ સોહલિયા, અમરેલી તાલુકા પ્રમુખ જયદીપભાઈ પાંચાણી તથા અમરેલી તાલુકા SC wing પ્રમુખ નરેશભાઇ પરમાર, વગેરે હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts