અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે કાર્યરત વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલતના પ્રયાસોથી વધુ એક દામ્પત્ય જીવનને તૂટતું બચાવી શકાયું છે. વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલત બેન્ચ સદસ્યશ્રીઓના પ્રયાસોથી પતિ- પત્નીની તકરારમાં સુ:ખદ સમાધાન થયું છે અને પતિ- પત્નીએ કોર્ટ કેસ કે, પોલીસ કેસ કરવાનો વિચાર માંડી વાળી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાંથી પતિ-પત્નીના ઝઘડામાં સમાધાન અર્થે અરજીઓ આવે છે, લોક અદાલતમાં નિમણુક પામ્યા હોય તેવા બેન્ચ મેમ્બર્સ દ્વારા બંને પક્ષકારોને વિવિધ રીતે સમજાવવા માટે પ્રયાસ કરે છે.
સમાધાનની એ જ શૃંખલામાં એક પતિ-પત્નીના વિવાદની અરજી ફેમિલી કોર્ટ અમરેલી દ્વારા લોક અદાલત ખાતે મોકલી આપવામાં આવી હતી. જે વિવાદની વિગત મુજબ અરજદાર પત્નીના થોડા વર્ષ પહેલા લગ્ન થયા હતાં. લગ્ન બાદ થોડા સમય સુધી ઘરસંસાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો. પરંતુ બાદમાં નાની-નાની બાબતે મન દુઃખ તથા કજિયા કંકાસ છતાં પત્ની પોતાના પિયર હતા. જેથી સમાજના વડીલોએ સમાધાન કરાવવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે સફળતા મળી નહોતી. બાદમાં અરજદાર પત્નીએ ન્યાય મેળવવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પક્ષકારોનો લગ્ન જીવનનો સમયગાળો, પક્ષકારોની ઉંમર વગેરે ધ્યાને લેતા ફેમિલી કોર્ટે કેસની કાર્યવાહી શરુ કરતાં પહેલાં આ અરજીને લોક અદાલત સમક્ષ મોકલી આપી હતી.
લોક અદાલત ખાતે મેમ્બર્સ તરીકે સેવા આપતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી એમ. જે. સૈયદ, તાલીમ પામેલ મધ્યસ્થીકાર શ્રી એચ. એચ. સેજુ દ્વારા વિવાદગ્રસ્ત દંપતિને એક પછી એક સાંભળવામાં આવ્યા અને તેમની વચ્ચે સંવાદિતા સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. ઉપરાંત બંને પક્ષકારો તથા તેના કુટુંબીજનોને બોલાવી વિવિધ બેઠક થઇ હતી. બંને પક્ષકારોને વિગતે સાંભળ્યા અને બંને વચ્ચેના અણબનાવના મૂળ કારણ શોધી કાઢ્યું અને પક્ષકારોને સુખી જીવન જીવવાના વિવિધ પાસાઓ અંગે સમજણ આપી સાથે રહેવા માટે રાજી કરવામાં સફળતા મળી હતી.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી દ્વારા, સમગ્ર રાજ્યમાં જિલ્લા વૈવાહિક તકરાર નિવારણ અર્થે શરુ કરાવવામાં આવેલી કાયમી પ્રિલીટીગેશન લોક અદાલતો પૈકી અમરેલી ખાતે કાર્યરત લોક અદાલત કે વધુ એક ઘર ભાંગતું બચાવી સુખદ સમાધાન કરાવ્યું હતું, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના સુપ્રિટેન્ડેન્ટશ્રીની યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments