ભાવનગર

વનબંધુઓના શિક્ષણની વણથંભી વિકાસ ગાથા

પ્રકૃતિના દરેક તત્ત્વ સાથે નિકટતાની અનુભૂતિ આદિજાતિ સભ્યતાનું જમા પાસું છે. આ નિકટતાને કારણે પ્રકૃતિનું સંરક્ષણ તેમના સ્વભાવમાં ઉતર્યું છે અને આદિવાસી સભ્યતાનું અનન્ય અંગ બની રહ્યું છે. ગુજરાતમાં વસવાટ કરતાં આદિવાસી સમાજમાં ભૌગોલિક વિસ્તારોને આધારે ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં બનાસકાંઠાથી વલસાડ સુધીની પૂર્વપટ્ટીના ભૂભાગમાં સદીઓથી આદિજાતિના લોકો વસવાટ કરે છે.

સરળ, નિર્દોષ અને પ્રકૃતિમિત્ર એવો ગુજરાતનો આદિજાતિ સમાજ સર્વાંગીણ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના મહત્તમ લોકો ગુજરાતના વિકાસ યજ્ઞમાં યોગદાન આપે તે માટે શિક્ષણ, આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે.

આદિવાસી જાતિઓમાં આઝાદી પહેલાં શિક્ષણનું પ્રમાણ પાંચ ટકા કે તે કરતાં પણ ઓછું હતું. સ્ત્રીઓમાં એક ટકા કરતાં પણ ઓછું-લગભગ શૂન્યસ્તરની નજીક. ગુજરાત રાજયના સંદર્ભમાં જોતાં રાજયમાં કુલ આદિવાસીઓની વસ્તી ૧૪.૮ ટકા છે. ગુજરાતના આદિવાસીઓની સાક્ષરતાના દરને જોતા ૧૯૯૧માં ૩૬.૦૪ ટકા, ૨૦૦૧માં ૪૭.૭ ટકા અને ૨૦૧૧માં ૬૨.૦૫ ટકા સાક્ષરતા નોંધાયેલ છે. ૨૦૧૧માં રાજયની કુલ સાક્ષરતા ૭૮.૦ ટકાની સામે આદિવાસીઓની સાક્ષરતા ૬ર.પ ટકા હતી, તેથી રાજયની કુલ સાક્ષરતા અને આદિવાસીઓની સાક્ષરતા વચ્ચેનું અંતર ૧૫.૬ ટકા નોંધાયેલ છે.

આમ, સમગ્ર દેશમાં અને ગુજરાત રાજયમાં કુલ સાક્ષરતા અને આદિવાસી સાક્ષરતા વચ્ચેના અંતરમાં અગાઉના દાયકાઓ કરતા ચોક્કસ પણે ઘટાડો થયો છે.

શિક્ષણ સમાજ રચનાનો પાયો છે. આ પાયો મજબૂત હોય તો તેના આધાર પર વિકાસનાં અન્ય સોપાનો સિદ્ધ કરવા સરળ બની જાય છે. આજ હેતુથી અનુસૂચિત જનજાતિનાં વિધ્યાર્થીઓને માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર તરફથી જુદી-જુદી શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આદિવાસી પ્રજાજનો વિકાસમાં ફાળો આપે, વિકાસની પ્રક્રિયામાં સહયોગી બને અને તેમનો આર્થિક ઉત્કર્ષ સધાય, આદિજાતિ પ્રજામાં શિક્ષણનું પ્રમાણ વધે તથા બાળકોમાં નાનપણથી સારા સંસ્કારોનું સિંચન થાય અને આદિવાસી લોકો અન્ય લોકોની હરોળમાં ઊભા રહી શકે, તે આશાથી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ દિશામાં કરવામાં આવતા સનિષ્ઠ પ્રયાસોની વિગતો અહી આપવામાં આવી છે. શિક્ષણનાં ક્ષેત્રે આમૂલ પરિવર્તનો દ્ધારા આદિજાતિ વિકાસનો પાયો અંત્યંત મજબૂત કરવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાત સરકારે સૌથી વધુ ધ્યાન આદિવાસી સમાજના શિક્ષણ અને રોજગાર માટે આપ્યું છે. આદિવાસી ગામડાઓમાં શાળા શરૂ કરવામાં આવી છે, તેની સાથે શિક્ષકોની ઘટ ન રહે તેનું ચોકસાઇપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે. પ્રત્યેક આદિવાસી બાળક પ્રાથમિક શિક્ષણ મેળવે તેની તકેદારી લેવાઈ રહી છે. શિક્ષણ માટે સમાજમાં જાગૃતિ વધી છે.

રાજય સરકાર ધોરણ-૧૦ સુધીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. જેનો લાભ નવ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળ્યો છે. તો ધોરણ-૯માં અભ્યાસ કરતી ૪૪ હજારથી વધુ વિદ્યાર્થિનીઓને શાળાએ સમયસર પહોંચી શકે એ માટે સાયકલ આપવામાં આવી છે. ૮.૮૦ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવામાં આવી છે. આદિજાતિ વિસ્તારોની શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને આજે માત્ર ૧.૯૭ ટકા થયો છે.

આ કોઇ નાનીસૂની વાત નથી રાજ્ય સરકારની પરિણામલક્ષી અમલીકરણની આ મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય. આદિવાસી મહિલાઓમાં શિક્ષણની ટકાવારી વર્ષ ૨૦૦૧માં ૩૬ ટકા હતી. ત્યાર બાદ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ શરૂ કર્યા જેના થકી આદિવાસી સમાજમાં શિક્ષણના દરમાં વધારો થયો. તેમાં ખાસ કરીને મહિલાઓમાં શિક્ષણની ટકાવારી વધીને ૫૩.૨૦ ટકા થઇ છે.

આદિજાતિ વિસ્તારોમાં અદ્યતન એવી એકલવ્ય નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી છે. આ શાળાઓમાં આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ, રહેવાની તથા જમવાની ઉત્તમ સવલત આપવામાં આવે છે. આ શાળાઓમાં આદિજાતિના બાળકોમાં પડેલી શક્તિઓને ઉજાગર કરવામાં આવે છે. ગુજરાત સરકારે ટેલેન્ટ પુલ યોજનામાં આદિજાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે ખાનગી શાળાઓમાં આર્થિક સહાય પૂરી પાડી છે. આશ્રમશાળાઓનાં માધ્યમથી વિદ્યાર્થીઓને તેમના ઘરની નજીક પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મળતાં આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભૂખ ઊઘડી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે વિશ્વવિદ્યાલય શરૂ કરવાનો વિચાર કર્યો હતો. તેમની પ્રેરણાથી આજે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક વીર શહીદ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તમામ પ્રકારની સુવિધા તેમજ રહેવા-જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

આ યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે, વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસ થાય અને દુનિયા સાથે કદમતાલ મિલાવી શકે તેવા સક્ષમ બનાવવાનો છે. ગોધરામાં ગુરુ ગોવિંદ વિશ્વવિદ્યાલય પણ કાર્યરત છે. ગુજરાત ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત ૯૮ શાળાઓમાં ૩૨,૮૯૯ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને ૫૦ આદર્શ નિવાસી શાળાઓમાં ૯૬૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આદિજાતિ સમાજનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટેની તમામ જવાબદારી રાજ્ય સરકારે લીધી છે. વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા પ્રોત્સાહિત થાય તે માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ પછી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેનો રાજ્યનાં ૭૮,૩૩૦ આદિવાસી વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.

તેવી જ રીતે, કોલેજના છાત્રાલયમાં રહેતા આદિવાસી વિદ્યાર્થીઓને દર મહિને ફૂડ બિલ આપવામાં આવે છે. રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને રાજ્યનાં મોટા શહેરોમાં રહેવા માટે સમરસ હોસ્ટેલ શરૂ કરીને ઉત્તમ સગવડ ઊભી કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૧૬૪ સરકારી છાત્રાલયોમાં ૧૬,૬૪૫ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે, ઉપરાંત આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ, જામનગર અને ભૂજ શહેરોમાં સમરસ છાત્રાલયોમાં આદિવાસી વિદ્યાર્થીઓ આનંદપૂર્વક અભ્યાસ કરી રહ્યાં છે.

Related Posts