સમ્રગ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હતી, રાજ્યના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ હતો. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક ભાગોમાં પ્રમાણસર વરસાદ વરસ્યો છે.પ્રવર્તમાન સ્થિતિ મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ છે, આગામી દિવસોમાં વરાપ નીકળતા ખેતી પાકોની સારી વૃદ્ધિ અને વિકાસ થાય તે હેતુથી ખેડૂતો માટે ઉપયોગી પગલાઓની વિગતો અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી હોવાથી આ સમય દરમિયાન કોઇપણ પ્રકારની દવા અને ખાતરોનો છંટકાવ મુલતવી રાખવો. ભારે વરસાદને કારણે ઉભા પાકમાં ખેતરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહેવાથી છોડના મૂળ સુધી હવાની અવરજવર ન થવાના કારણે ઉભો છોડ સુકાઈ શકે છે, જેથી ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો.
કપાસમાં વધુ વરસાદના કારણે પેરાવિલ્ટ રોગનો ઉપદ્રવ અટકાવવા ખેતરમાં ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ કરવો અને વરાપે ૨ ટકા યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો/કોબાલ્ટ ક્લોરાઇડ ૧૦ મિલી ગ્રામ પ્રતિ લીટર પાણીમાં મિશ્ર કરીને લક્ષણો જોવા મળતા તુરંત છંટકાવ કરવો તેમજ કોપર ઓક્સી-ક્લોરાઇડ ૨૫ ગ્રામ અને ૧૫૦ ગ્રામ યુરીયાના દ્રાવણને ૧૦ લીટર પાણીમાં ઓગળીને દ્રેન્ચિંગ કરવું અને બી.ટી. કપાસમાં યુરીયા અને એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કી.ગ્રા./હે. પૂર્તિ ખાતર તરીકે આપવું અને પાલર પાણી આપવું.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. ૦૧ થી તા.૦૬ સપ્ટેમ્બર દરમિયાન ગરમ, ભેજવાળું અને હળવા વરસાદ સાથેનું હવામાન રહેવાની સંભાવના છે, જે ચુસીયા પ્રકારની જીવાત અને ફૂગજન્ય રોગોના પ્રસરણ અને ઉપદ્રવ ફેલાવા માટે એકદમ અનુકુળ વાતાવરણ હોય, અગમચેતીના ભાગ રુપે સંકલિત રોગ અને જીવાત નિયંત્રણના પગલાઓ ભરવા જોઈએ, જેથી પાકને રોગ અને જીવાતથી બચાવી શકાય, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments