વલસાડમાં દારૂની હેરાફેરી કરનારા પીએસઆઈ સહિત કુલ ૨ લોકોની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ રાજ્યમાં જાણે દારૂબંધી માત્ર સરકારી કાગળો પર હોય તેવું લાગી રહ્યું છે અવાર નવાર બુટલેગરો દ્વારા અલગ-અલગ રીતે દારૂની સપ્લાય કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવે છે તો પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર દરોડો કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે ત્યારે દારૂબંધીના લીરેલીરા ઉડાવતી એક ઘટના વલસાડમાં સામે આવી છે.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવતી હતી. તે સમયે પોલીસે ભીલાડની બામણ પૂજા ચેકપોસ્ટ પર એક કારની તપાસ કરતા કારની અંદરથી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઘટનામાં મહત્ત્વની વાત એ છે કે, દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ કોઈ બુટલેગર નહીં પરંતુ એક પીએસઆઈ હોવાનું સામે આવ્યું હતું અને તેનું નામ પ્રવીણ બાગલ હતું. પોલીસે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પ્રવીણ બાગલ કલગામના એસઆરપી વિભાગના ટેકનિકલ વિભાગમાં કામ કરતો હતો. જેથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરનારા પીએસઆઈ સહિત કુલ કારમાં બેસેલા ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ, પોલીસકર્મીની સાથે કારમાં બેસેલો બીજાે વ્યક્તિ વલસાડનો છે અને તે પોલીસકર્મીનો મિત્ર છે અને તેનું નામ પ્રીતમ પટેલ છે. પોલીસકર્મી અને પ્રીતમ પટેલ દમણથી જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમની પોલ ખૂલી ગઈ હતી અને હવે દારૂની હેરાફેરી કરવા મામલે પીએસઆઈ અને તેના વેપારી મિત્રોને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પીએસઆઈ પ્રવીણ અને તેના મિત્ર પ્રીતમ પટેલની ધરપકડ કરી વિદેશી દારૂ અને કારના મુદ્દામાલ સહિત ૩.૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એક પીએસઆઈ અને દારૂની હેરાફેરી કરતા પકડાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
Recent Comments