અમરેલી

“વસુધૈવ કુટુંબકમ” થીમ સાથે ત્રિદિવસીય રાજ્યકક્ષા કલા ઉત્સવ-૨૦૨૪નો ભવ્ય શુભારંભ

 ગુજરાત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને અને રાજય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી  સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે શિક્ષણ વિભાગ જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત અને અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાજકક્ષા કલા ઉત્સવ કાર્યક્રમ-૨૦૨૪નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.   “વસુધૈવ કુટુંબકમ” થીમ આધારિત કાર્યક્રમમાં ચિત્રકલા,  કાવ્ય રચના, ગાયન અને વાદન સહિત રાજ્યકક્ષાની વિવિધ કલાઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધામાં વિજેતા કલાકારો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.  કલા ઉત્સવ વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.  તેમની સર્જનાત્મકતા અને મૌલિકતાની અભિવ્યક્તિ માટેની ઉમદા તક પૂરી પાડે છે. અગાઉ ધો. ૬ થી ધો.૧૨ સુધીમાં વિવિધ  લક્ષ્ય જૂથ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનુ આયોજન શાળા કક્ષાએથી ઝોન કક્ષા સુધી હાથ ધરવામાં આવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કલા ઉત્સવના બાળ કલાકારોને કિટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

     રાજ્યકક્ષાના કલા ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી અને શિક્ષણ મંત્રી ડૉ. શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ કે,  સ્પર્ધામાં વિજેતા બનવું એ મહત્વનું નથી હોતું, પણ સ્પર્ધામાં ભાગ લેવો એ સૌથી વધુ મહત્વનું છે. કલા ઉત્સવ થકી વિદ્યાર્થીઓને અભિવ્યક્તિ માટેનું માધ્યમ મળી રહ્યું છે. ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. નવી શિક્ષણ નીતિ ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમની સાથે તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને તેમને ઘણી બધી રીતે મદદરુપ થશે. શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી, ગુરુ – શિષ્ય પરંપરાઓની મહિમા વિશે જણાવ્યુ હતુ. મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આપણા પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના પાઠ આપણા બાળકોને સર્વગુણ સંપન્ન બનાવવામાં મદદ કરશે.

     રાજ્યકક્ષાના કલા ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યુ કે, કલા ઉત્સવ થકી વિદ્યાર્થીઓને વિવિધ કલાઓમાં આગળ વધવા માટેનું પ્રોત્સાહન મળે છે. કલા આપણા જીવનમાં ઘટતો રંગ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીએ રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેતા સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

     કલા ઉત્સવ-૨૦૨૪ ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, અધિક નિયામક શ્રી જીસીઈઆરટી ગાંધીનગર ડી.એસ.પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, વિદ્યાસભા કેમ્પસ ડિરેક્ટર શ્રી પેથાણી, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, કલા ઉત્સવના સ્પર્ધકો, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts