સમગ્ર દેશમાં વધતી જતી વસ્તી હાલ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે વસ્તી નિયંત્રણ માટે નવી નીતિ જાહેર કરી છે, ત્યારબાદ તમામ રાજ્યોમાં વધતી વસ્તી નિયંત્રણને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ મુદ્દે આજે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં વસ્તી નિયંત્રણ મુદ્દે જરૂર પડશે ત્યારે વિચાર કરીશું. અલગ અલગ રાજ્યોમાં સરકારો કાયદા લાવી રહી છે. પરંતુ ગુજરાતમાં કુંટુંબ નિયોજન વગેરેનું કામ ચાલે જ છે.
રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે વસ્તી નિયંત્રણ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘બેથી વધુ બાળક ધરાવતા વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં અને સભ્ય બનશે નહીં તેવો ર્નિણય વર્ષો પહેલા કરેલ છે.’ બીજા પણ નાના મોટા નિયમો અમારી સરકારે બનાવ્યા છે, જે વસ્તી નિયંત્રિત રાખે, બધાને વધુ બાળકો પેદા ન કરવા માટે સમજાવટ કરવાની થાય. નાનું કુંટુંબ સુખી કુંટુંબ એ પ્રમાણે પરિવાર નિયોજન કરવાની થાય. આ બધું જ કરવાનો રાજ્યનો આરોગ્ય વિભાગ અને સરકાર સતત પ્રયત્નશીલ છે.
નીતિન પટેલે ઉમેર્યું હતું કે,‘દેશના અન્ય રાજ્યો વસ્તીવધારા મુદ્દે પગલાં ભરી રહ્યાં છે અને નવા નિયમો અમલી કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેનો અભ્યાસ કરશે. અન્ય રાજ્યોના વસ્તી નિયંત્રણ અંગેના કાયદાઓ અંગે અમે અભ્યાસ કરીશું. સરકારને યોગ્ય લાગશે તો પોલિસીમાં બદલાવ કરીશું.
Recent Comments