fbpx
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાતના તાયફાઃ સરકારે મહેમાનોની સરભરા પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા

ગુજરાત સરકાર ઉત્સહો કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં પાછીપાની નથી કરતી, તેનું ઉદાહરણ વાઈબ્રન્ટ સમિટ પાછળ થયેલા ખર્ચના આંકડા જ જણાવે છે. ૨૦૧૯માં યોજાયેલા વાઈબ્રન્ટ સમિટમાં સામેલ થવા આવેલા મહેમાનો માટે સરકારે ૫૦૦થી વધુ લક્ઝરી કાર ભાડે મેળવી તેના માટે ૨ કરોડ રૂપિયાથી વધારે રકમ ચૂકવી હોવાની વિગતો મળી છે.

કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે, ૨૦૧૯માં યોજાયેલા વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવનારા દેશ-વિદેશના મહેમાનોને તેમની હોટલ કે અન્ય રોકાણ સ્થળોએથી વાઈબ્રન્ટ સમિટના સ્થળ મહાત્મા મંદિર સુધી લાવવા માટે રાજ્ય સરકારે ૫૦૦થી વધુ લક્ઝરી કાર ભાડે રાખી હતી. જેમાં ૨૫૭ ઈનોવા ઉપરાંત મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યૂ અને સેડાન ક્લાસ જેવી લક્ઝરી ગાડીઓ ભાડે રાખવામાં આવી હતી. આ માટે અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સ કંપનીને ૨.૧૫ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ૨૦૦૩થી વાઈબ્રન્ટ ગુજરાતના નામે રાજ્ય સરકાર દ્વારા દર એકાંતરે વર્ષે ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી આવા સમિટનું આયોજન કરવામાં આવે છે. આવા સમિટોમાં દેશ-વિદેશના મોટા ઉદ્યોગપતિઓને આવકારવા માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ ખડેપગે રહેતા હોય છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા અને દુનિયાના તમામ દેશોને આવકારી આંજી નાંખવા માટેની પબ્લિસિટી ઈવેન્ટ પાછળ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. આવા સમિટમાં રોકાણ અંગેના મોટા-મોટા એમઓયુ તો સાઈન કરવામાં આવે છે, પરંતુ એ પ્રમાણે રોકાણ આવતું નથી.

Follow Me:

Related Posts