વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર આવેલી વૈષ્ણવ કુટીર સોસાયટીમાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો ધોળા દિવસે ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત લાખોની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે. બેખોફ તસ્કરો હવે ધોળા દિવસે પણ ચોરીની ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી. વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ખાતે આવેલી વૈષ્ણવ કુટીર સોસાયટીમાં રહેતા હર્ષદકુમાર સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
જ્યારે તેમની પત્ની શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. સાંજે દંપતિ જાેબ પર હતા અને દીકરી કોલેજ જવા માટે નીકળી હતી. અજાણ્યા તસ્કરો બંધ મકાનનો લાભ ઉઠાવી માત્ર ૨૦ મિનિટના સમયગાળામાં અંદાજે ૧૫ તોલા સોનું, અઢી કિલો ચાંદી અને રોકડા ૧૨ હજાર સહિત ૧૨ લાખ ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં વાડી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકાન માલિક કલ્પનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, મારી દીકરી ટ્યુશન સાંજે ટ્યુશન જવા નીકળી હતી અને દીકરો ઘરે આવ્યો, તેની વચ્ચે જ ઘરમાં ચોરી થઈ છે. થોડા દિવસ પહેલા ઘરમાં લગ્ન હોવાથી ચાંદી ખરીદી હતી. તે પણ ચોરાઈ ગઈ છે. મકાન માલિક હર્ષદકુમાર સોલંકીએ જણાવ્યું હતું કે, તસ્કરોએ ઘરમાં ઘૂસીને સોના-ચાંદી સહિતનો તમામ સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા. ડોગ સ્કવોડે આવીને કામગીરી શરૂ કરી છે. તસ્કરો બારીમાંથી ઘરમાં ઘુસ્યા હતા અને બેડરૂમમાં રાખેલી તિજાેરીમાંથી ચોરી કરીને તસ્કરો ભાગી ગયા હતા.
Recent Comments