ગુજરાત

વાપી હાઈવે પર પાનનો ગલ્લો ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાઈ

વાપી વૈશાલી ઓવરબ્રીજ ઉતરતા હાઇવેના સર્વિસ રોડની બાજુમાં થોડા દિવસ પહેલા જ પાનનો ગલ્લો રાખી ધંધો શરૂ કર્યા બાદ રાત્રિ દરમિયાન ગલ્લાની ચોરી થતા યુવકે આ અંગે પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. વાપી જલારામ મંદિર પાસે આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ સક્સેનાએ જણાવ્યું હતું કે, ૧૮ ફેબ્રુઆરીએ તેણે મુંબઇથી સુરત તરફ વૈશાલી ઓવરબ્રીજ ઉતરતા સર્વિસ રોડની બાજુમાં એક પાનનો ગલ્લો રાખી ધંધો શરૂ કર્યો હતો. ૧ માર્ચના રોજ રાત્રે રાબેતા મુજબ દુકાન બંધ કરી તે ઘરે જતો રહ્યો હતો.

બીજા દિવસે સવારે ધંધો કરવા આવતા પાનનો ગલ્લો સ્થળ ઉપર દેખાયો ન હતો. જેથી આજુબાજુમાં તપાસ કરતા તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. કોઇ ઇસમો દ્વારા તેની ચોરી થઇ હોય તે આશંકાએ શુક્રવારે તે પોલીસના શરણે પહોંચ્યો હતો અને કોઇ ટોળકી દ્વારા તેનો પાનનો ગલ્લો વાહનમાં ઉચકી ફરાર થઇ ગયા હોવાની શંકાને લઇ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ હતી. દુકાનદારના જણાવ્યા મુજબ ગલ્લામાં પાનમસાલા, સિગારેટ, નમકીન અને બિસ્કીટ મળી ૧૨,૦૦૦ના માલની ચોરી થઇ છે.

Related Posts