fbpx
ભાવનગર

વિકાસ રથોએ ભાવનગર જિલ્લાના ગામે ગામ ફરીને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી 

        રાજ્ય સરકારની ૨૦ વર્ષની વિકાસગાથાને ગામે ગામ અને નગરે-નગર સુધી પહોંચાડવા માટે ભાવનગર  જિલ્લામાં તા. ૦૫ જુલાઈથી ૨૦ જુલાઈ, ૨૦૨૨ દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ભાવનગર જિલ્લાને અનેક વિકાસ કામોની ભેટ મળી છે જેમાં ૧૫ દિવસ દરમિયાન ભાવનગર જિલ્લાને અંદાજિત કુલ રૂ. ૧૦૮ કરોડના ખર્ચે ૧૯૪૫ જેટલા વિકાસકામોની ભેટ મળી છે. સાથોસાથ મંત્રીગણ અને પદાધિકારીઓ-મહાનુભાવોના હસ્તે અંદાજિત કુલ ૧૭,૯૧૫ લાભાર્થીઓને રૂ. ૮૫ કરોડની વિવિધ યોજનાકીય સહાય અર્પણ કરવામાં આવી છે. ‘વંદે ગુજરાત યાત્રા’ ના વિકાસ રથોએ ગામેગામ પરિભ્રમણ કરી ભાવનગર જિલ્લાના ગામોને આવરી લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી નાગરિકોને માહિતગાર કર્યા હતા.

        છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ જનતા સુધી પહોંચે અને વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસારથી પ્રજાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

        ‘વંદે ગુજરાત યાત્રા’ દરમિયાન વ્હાલી દીકરી યોજના, કૃષિ વિભાગની વિવિધ યોજના, આરોગ્ય વિભાગ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, માતૃવંદના, પુર્ણાશક્તિ યોજના, ખેતીવાડી અને ઘરેલુ નવીન વીજ જોડાણ યોજના, ઉજ્જ્વલા યોજના, વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન સહાયના લાભાર્થીઓને યોજનાના લાભો અને મંજૂરીપત્રો એનાયત કરાયા હતા.

        આ પ્રસંગે દરેક ગામમાં રથના આગમન પૂર્વે યોગાસન, પ્રભાત ફેરી, ચિત્ર સ્પર્ધા, આંગણવાડી બહેનો દ્વારા વાનગી સ્પર્ધા, વૃક્ષારોપણ, કોવિડ રસીકરણ સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, રંગોળી, જંતુજન્ય અને પાણીજન્ય રોગોની સમજ, જળ અને પર્યાવરણ સંરક્ષણ, આંગણવાડી કેન્દ્રો પર વાનગી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્થાનિક ગ્રામજનો-નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

        રથના આગમન પ્રસંગે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ વિકાસ કામોની જાહેરાત દ્વારા સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ અને પ્રજાલક્ષી વિકાસ કામોથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. રથના રાત્રિ રોકાણ  દરમ્યાન જે તે ગામમાં વિવિધ કલાકારો દ્વારા લોકડાયરા અને ભવાઈ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.

Follow Me:

Related Posts