fbpx
અમરેલી

વિચરતી અને વિમુક્ત જાતિઓને આવાસનો લાભ આપવા માટે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી થઈ – પટણી

વિચરતા અને વિમુક્ત સમુદાયના ઉત્થાન માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત ડેવલોપમેન્ટ એન્ડ વેલફેરબોર્ડ ફોર ડીનોટીફાઇડ નોમેડિક એન્ડ સેમી નોમેડિક કોમ્યુનિટીઝ (DWBNC)ના સભ્યશ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવાસદન ખાતે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વસતા અને આસપાસના જિલ્લાના વિચરતી અને વિમુક્ત જાતિના સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ અને અમરેલી જિલ્લાના ક્લસ્ટરમાં આવેલ વસાહતની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા આ સમુદાયના કલ્યાણ અર્થે સ્થાપવામાં આવેલા બોર્ડની કામગીરી વિશે સભ્યશ્રી ભરત ભાઈ પટણીએ માહિતી આપી હતી.

તેમણે વિચરતી અને વિમુક્ત જાતિના આઝાદીની લડતમાં આપેલા યોગદાનથી લઈને વર્તમાન સમય સુધીના ફાળાના ગૌરવવંતા ઈતિહાસની વિગતો આપી હતી. તેમણે જણાવ્યુ કે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશનમાં વર્ષ ૨૦૧૫ ડિનોટીફાઇડ, નોમેડિક એન્ડ સેમી નોમેડિક કોમ્યુનિટીના ઉત્થાન માટે ઈદાતે કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશનની ભલામણના આધારે વર્ષ ૨૦૨૧માં કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, આ બોર્ડના માધ્યમથી વિચરતી અને વિમુક્ત જાતિના ઉત્થાન માટે ગુજરાત રાજ્યમાં સીડ યોજના અંતર્ગત આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ સહિતની ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓના લાભ અપાવવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યના ૧૦ જિલ્લામાં કામગીરી થઈ રહી છે અને આગામી દિવસોમાં ૧૮ જિલ્લાઓમાં કામગીરી થશે.  વિચરતી અને વિમુક્ત જાતિને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩માં રહેણાક માટે ચોક્કસ જમીન આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો, આ અંતર્ગત રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી થઈ છે. આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં વસતી વિચરતી અને વિમુક્ત સમુદાયની બહેનોના સ્વ સહાય જૂથો તૈયાર કરી તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવામાં આવે.

આ પ્રસંગે શ્રી પટણીએ સામાજિક આગેવાનોને શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ઉત્થાન થાય તે માટે આગળ આવવા અને દીકરીઓને શિક્ષિત કરવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે સામાજિક એકતા, સમરસતા અને સમાનતા માટેની જ્યોત પ્રજવલ્લિત રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે અમરેલી જિલ્લાના સામાજિક અગ્રણીઓના આવાસ, બી.પી.એલ. કાર્ડમાં નામ નોંધણી, શાકભાજી સહિતની વસ્તુઓના છુટક વેપાર કરતા લોકો માટે બજારની રચના સહિતની બાબતો વિશે વિગતો મેળવી, સરકારના સહયોગથી તે દિશામાં ક્યા પગલાંઓ ભરી શકાય તે માટે ઘટતું કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટરશ્રી ગોહિલે શ્રી પટણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.  સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે  વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિચરતી અને વિમુક્ત જાતિના સામાજિક અગ્રણીઓ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતિ જાતિ) એ.એલ. મહેતા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts