ગુજરાત

વિદેશમાં વસતા સુરતીઓએ ૨૦૦ ઓક્સિજન કન્સ્ટ્રેશન મશીન મોકલાવ્યા

કોરોનાના નવા સ્ટ્રેઈને દેશ આખાને અજગરી ભરડામાં લીધો છે. બીજા તબક્કામાં તંત્ર સુવિધાઓના અભાવ વચ્ચે લાચાર દેખાયું હતું. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં માતૃભૂમિનું ઋણ ચૂકવવા અમેરિકા વસતા મૂળ ગુજરાતીઓએ એક લાખ ડોલરના ખર્ચે સુરતને ૨૦૦ ઓક્સિજન કન્સ્ટ્રેશન મશીન મોકલાવ્યા છે.

આ ૨૦૦ મશીનમાંથી ૧૦૦ મશીન સુરત કોર્પોરેશન અને બાકીના ૧૦૦ મશીન બારડોલી ખાતે ફાળવવામાં આવ્યા છે. શહેરમાં કોરોના દર્દીઓની પરિસ્થિતિથી વાકેફ થઈને મૂળ ગુજરાતી અને દાયકાઓથી અમેરિકાને કર્મભૂમિ બનાવનાર એન.આર.આઈ.દ્વારા આ મશીન મોકલવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો.

પહેલા તબક્કામાં ૮૦ લાખના ખર્ચે ૨૦૦ ઓક્સિજન મશીનોની ડિલિવરી કરવામાં આવી છે. અને આગામી સમયમાં વધુ ૩૦૦ ઓક્સિજન કન્સ્ટ્રેશન મશીનોની સહાય કરવામાં આવશે. જુનના અંત સુધી આ મશીન આવે તેવી શકયતા છે.

અમેરિકાના મિસીસીપી ખાતે વસતા ગુજરાતી સમાજ દ્વારા જે સહાય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેના માટે આ દાનવીરો દ્વારા “યુનાઇટેડ વી બ્રિથ” નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત મિસીસીપી સહિત અમેરિકામાં વસતા ગુજરાતીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જેના ભાગરૂપે સુરતને ૫૦૦ ઓક્સિજન મશીનની સહાય શક્ય બની હતી. આગામી સમયમાં અન્ય સહાયની પણ જાહેરાત ગુજરાતી સમાજ ઓફ મિસીસીપી દ્વારા કરવામાં આવી છે.

Related Posts