ગુજરાત

વિદેશી નાગરિકોને લૂંટતી અને આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ ઝડપાયા

વિદેશી નાગરિકોને લૂંટતી અને આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખસોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગ દ્વારા વિદેશી નાગરિકોના ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી નાખતા હતા. અંદાજીત ૫૦ લાખથી વધુની રકમની અલગ અલગ ખરીદી કરી લીધી હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે ટેલિગ્રામ દ્વારા પાકિસ્તાનના બે વ્યક્તિઓનો સંપર્ક થયો અને ડાર્ક વેબસાઇટનો પાસવર્ડ મેળવ્યો હતો અને તેમને રૂપિયા પણ મોકલ્યા હતા.

ડાર્ક વેબ સાઈટ પરથી વિદેશી નાગરિકોના ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડનો ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરનાર હર્ષવર્ધન પરમાર, મોહિત લાલવાની તથા કલ્પેશ સિંધાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ત્રણેય શખસો એકબીજાને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હતા. પરંતુ હજી સુધી એક પણ વખત મળ્યા નહોતા. ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે છેલ્લા ત્રણેક વર્ષથી પોતાનો ઠગાઈનો વ્યવસાય ચલાવતા હતા. ત્રણેય આરોપીઓની મુલાકાત ક્રાઈમ બ્રાંચમાં જ થઇ હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અલગ-અલગ રાજ્યોના સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર લાખો રૂપિયાની જથ્થામાં ખરીદી કરી લેતા હતા. બાદમાં ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતા હતા અને ત્યારબાદ અધૂરાં સરનામાં આપી અમદાવાદના કોઈપણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરિયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રિસીવ કરી લેતા હોવાની મોડસ ઓપરેન્ડીથી આ ત્રણેય આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા.

Related Posts