રાષ્ટ્રીય

વિદેશ મંત્રાલય દ્વારા ‘સલામત જાઓ પ્રશિક્ષિત જાઓ’ અભિયાન અંતર્ગત એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવશે

વિદેશ મંત્રાલય દ્વારા ‘સલામત જાઓ પ્રશિક્ષિત જાઓ’ અભિયાન અંતર્ગત એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવશે. વિદેશમાં રોજગાર અર્થે જતા નાગરિકો સુરક્ષિત અને કાયદાકીય ચેનલનો ઉપયોગ કરે, તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રીતે વિદેશ જતા પ્રવાસીઓ નિર્વિધ્ન રીતે ત્યાં જઇ શકશે અને એકીકૃત થઇને તેમની કાર્યક્ષમતા વધારી શકશે. મંત્રાલયના અનોખા અભિયાનને વધુ વેગ આપવા માટે, ૯મી જાન્યુઆરીએ ૧૭મા પ્રવાસી ભારતીય દિવસના અવસરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ટપાલ ટિકિટ જાહેર કરશે, જે આ વિષયને સમર્પિત હશે. પ્રવાસી શ્રમિકોનો નબળો વર્ગ અત્યારે ગેરકાયદે રીતે ચાલતી પ્રવૃત્તિઓના લીધે છેતરપિંડીનો શિકાર બની રહ્યો છે, જેમાં ખાસ કરીને ખાડી દેશોમાં જતા નાગરિકોની સંખ્યા વધારે છે.

તેમાં કામદારો, ઘરમાં કામ કરતા શ્રમિકો, ગૃહિણીઓ, ડ્રાઇવર, રેસ્તરાંમાં કામ કરતા શ્રમિકો અને અન્ય બ્લૂ કોલર જાેબ શ્રેણીમાં આવતા લોકોને નબળો વર્ગ ગણવામાં આવે છે. ૧૯૮૩ના ઇમિગ્રેશન એક્ટ (સ્થળાંતર અધિનિયમ) અંતર્ગત તેમની ભરતી કરવામાં આવે છે. તેમની સાથે અવારનવાર છેતરપિંડી થતી હોવાથી વિદેશ મંત્રાલય ચિંતિત છે અને આ પ્રકારે ગેરકાયદે ચાલતી ચેનલોના ખતરા અંગે વિદેશ મંત્રાલય પ્રવાસીઓને જાગૃત કરવાની વિવિધ કામગીરી કરી રહ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ કે, “વર્ષ ૨૦૧૫ થી ઇ-માઇગ્રેટ સિસ્ટમના આગમન સાથે અને પ્રવાસી શ્રમિકના કલ્યાણને ધ્યાનમાં રાખીને, ઈઝ્રઇ સ્થળાંતર કરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર વૈધાનિક માધ્યમો એટલે કે ઇ-માઇગ્રેટ પોર્ટલ દ્વારા જ વિદેશમાં રોજગાર માટે સ્થળાંતર કરે. આ પોર્ટલ ૨૦૦,૦૦૦ થી વધુ વિદેશી નોકરીદાતાઓ અને ૨૫૦૦ થી વધુ નોંધાયેલા ભરતી એજન્ટો ધરાવે છે.

પોર્ટલ પર અધિકૃત અને બિન-અધિકૃત ભરતી એજન્સીઓની યાદી પણ છે. સલામત અને કાયદાકીય માધ્યમો પર માહિતીનો પ્રસાર કરી શકાય અને વિદેશી રોજગારની તકોના લાભમાં વધારો કરી શકાય તે માટે મંત્રાલય અનેક રાજ્ય સરકારો અને સંબંધિત હિતધારકો સાથે પણ સંકલન કરી રહ્યું છે. વિદેશોમાં ભારતીય મિશનો પણ છેતરપિંડી અને ગેરકાયદેસર ચેનલો દ્વારા નકલી નોકરીની ઓફર વિશે સલાહ દ્વારા ભારતીય નોકરી શોધનારાઓને સચેત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Related Posts