વિદ્યાર્થિનીની છેડતી કરવાના કારણે પોલીસે શિક્ષકને લગ્ન મંડપમાંથી ઊઠાવ્યો
વલસાડના છીપવાડ વિસ્તારમાં એક લગ્ન મંડપમાં શિક્ષક વરરાજા જાન લઈને જાય તે પહેલાં જ પોલીસ વરઘોડો લઈને પહોંચી હતી! જે બાદમાં વરરાજાને ફટકારતા દોડધામ મચી ગઇ હતી. વ્યવસાયે શિક્ષક એવા વરરાજાએ પોતાની શાળાની એક વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે પીડિતાના પરિવારજનો પોલીસ સાથે આરોપી શિક્ષકના લગ્ન મંડપમાં જ પહોંચી ગયા હતા. અહીં ધમાલ મચાવતા દોડધામ મચી ગઇ હતી. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા નવકાર એપાર્ટમેન્ટમાં રહેતા મયુર રાણા નામના એક શિક્ષક નવસારી જિલ્લાના બીલીમોરાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષક મયુર રાણા પર શાળાની એક ૧૬ વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે.
જે બાદમાં વિદ્યાર્થિનીના પરિવારજનો શિક્ષકના લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે જ ત્યાં પહોંચી ગયા હતા. પીડિતના પરિવારજનો પહોંચ્યા ત્યારે શિક્ષકના લગ્ન લેવાઈ રહ્યા હતા અને પીઠીની વિધિ ચાલી રહી હતી. આ વખતે જ પીડિતાના પરિવારજનો પોલીસને લઈને લગ્ન મંડપમાં પહોંચ્યાં હતાં. પરિવારજનોએ પીઠી ચોળાવી રહેલા વરરાજા એવા શિક્ષકની ત્યાં જ ધોલાઇ કરી હતી. જેના કારણે લગ્ન મંડપમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ પણ જાણે પૂરી તૈયારી સાથે પહોંચી હોય તેમ પરિસ્થિતિ વણસે તે પહેલા જ પીઠી ચોળેલા વરરાજાને પોલીસની ગાડીમાં ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
શિક્ષક વરરાજાના લગ્ન મંડપમાં લગ્નનાં ગીતો ગૂંજી રહ્યા હતા એ વખતે જ છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીના પરિવારજનો પોલીસને લઈને પહોંચતા લગ્નમાં ભંગ પડ્યો હતો. શિક્ષક વરરાજા મયુર રાણા પોતે જાન લઈ અને કન્યાના માંડવે પહોંચે એ પહેલા પીડિત વિદ્યાર્થિનીના પરિવારજનો પોલીસને લઇને વરરાજાના ઘરે પહોંચ્યા હતા. આ કેસમાં પોલીસે પીઠી ચોળેલા વરરાજાની જ ધરપકડ કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વલસાડ પોલીસે કાર્યવાહી કર્યા બાદ મામલો નવસારી જિલ્લાનો હોવાથી વલસાડ પોલીસે આરોપી વરરાજા શિક્ષક મયુર રાણાને નવસારી પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.
Recent Comments