વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ વ્યાસ
ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ આજથી ભાવનગર શહેર અને જિલ્લામાં થયો છે. પરીક્ષાને પર્વ સમાન બનાવવાં અને પરીક્ષાર્થીઓ ભય અને તણાવમુક્ત થઈ પરીક્ષા આપી શકે તેવાં શુભ હેતુસર પરીક્ષાર્થીઓને આવકારવાં અને શુભેચ્છા પાઠવવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ વ્યાસ, સેંટ ઝેવિયર્સ શાળાના આચાર્યશ્રી ફાધર જોબી મેથ્યુ, શિક્ષણ નિરીક્ષક શ્રી સાગરભાઈ પંડયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ વ્યાસે પરીક્ષાર્થીઓને ચોકલેટથી મોં મીઠું કરાવી, ગુલાબનું પુષ્પ આપીને આવકાર્યા હતાં. તેમણે પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી શાંતિથી પરીક્ષા આપી શ્રેષ્ઠત્તમ સફળતા પ્રાપ્ત કરે અને વાલીઓ નિશ્ચિંત બની રહે તેવી વ્યવસ્થા બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
તેમણે કેન્દ્ર ખાતે લાઈટ, પંખા, ફર્નિચર, પાણીની સુવિધા વગેરેની ચકાસણી કરી વિદ્યાર્થીઓ શાંતિથી તાણમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓની ચકાસી હતી.
તેમની સાથે શાળાના આચાર્યશ્રી ફાધર જોબી મેથ્યુ એ ગોઠવેલ વ્યવસ્થાની સરાહના કરી તમામને અભિનંદન આપી તમામ કર્મયોગીઓની કર્મનિષ્ઠાને બિરદાવી હતી.
ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો એક અલગ જ હાઉ, ઉચાટ, ભય સાથે કારકિર્દી માટે તેનાં મહત્વ વગેરે પાસાઓને લઇને વાલીઓ સાથે વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો ભય હોય છે ત્યારે આ પરીક્ષાઓ નિર્ભય રીતે વિદ્યાર્થીઓ આપી શકે તેવાં વાતાવરણનું સર્જન કરવાં શિક્ષણ વિભાગ સજ્જ છે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ વ્યાસે જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, જિલ્લા સ્તરે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ માટે હેલ્પલાઇન તથા વિદ્યાર્થીઓને મૂંઝવતાં પ્રશ્નો માટે રાજ્ય સહિત જિલ્લા સ્તરે હેલ્પલાઇન સહીતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેનો વિદ્યાર્થીઓ લાભ લઇને પોતાની ચિંતાને હળવી બનાવી શકે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા સી.સી.ટી.વી./ટેબ્લેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદશીલ કેન્દ્રો પર પોલીસ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સિવાય તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.
ભૂતકાળમાં પણ બોર્ડ દ્વારા સફળતાપૂર્વક આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આગોતરી રીતે આયોજન કરીને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં ભયમુક્ત રીતે યોજવાં શિક્ષણ વિભાગ સજ્જ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
Recent Comments