વિદ્યાર્થીને સુધારવા થોડો બળ પ્રયોગ કે હળવો શ્રમ કરાવે તે મજુરી નહિ સર્વાંગી વિકાસ
મુંબઈ બે દિવસ પહેલા મુંબઈ હાઈકોર્ટે શાળાના એક શિક્ષકની તરફેણમાં આપેલા ચુકાદામાં એવું કહ્યું કે શાળામાં શિક્ષકો બાળકોને સુધારવા માટે થોડો બળપ્રયોગ કરે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે એને કોઈ કામ આપે તો એમાં શિક્ષકનો ઈરાદો બાળકને હેરાન કરવાનો નહિ પણ બાળકનું ઘડતર કરવાનો હોય છે.
હવે શિક્ષકોએ બાળકો પર હળવો બળ પ્રયોગ કરવાનું કે બાળકોને શાળાનું કામ ચીંધવાનું સાવ બંધ જ કરી દીધું છે કારણકે વિદ્યાર્થીના ભલા પણ માટે જો શિક્ષક આવું કંઇ કરે તો તેમ કરવા પાછળના શિક્ષકના શુધ્ધ ઇરાદાને ધ્યાનમાં લીધા વગર બધા એના પર તુટી પડે છે અને શિક્ષકને સજા પણ કરાવે છે.
મારી ઉંમરના કેટલાય મિત્રોને પોતાના શાળાના દિવસો યાદ હશે. લેસન ન કર્યું હોય કે વાંકમાં આવ્યા હોય તો ક્લાસ બહાર વાંકા ઊભા રાખે, હાથમાં ફૂટપટ્ટી મારે, ક્લાસ સાફ કરવાની સજા કરે. આ બધું થતું ત્યારે થોડો સમય દુઃખ પણ થાય પણ આજે બધા એ વાતનો સ્વીકાર કરશે કે એ થયું એટલે જ આપણે વધુ મજબૂત થયા. આ નાની નાની સજા અને કામોએ આપણું ઘડતર કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે.
નાની નાની બાબતમાં ફરિયાદ કરવા શાળાએ પહોંચી જતા વાલીઓ બાળકોના શારીરિક અને માનસિક બંને વિકાસમાં અવરોધ ઊભો કરે છે. બાળકોને ખૂબ પ્રેમ કરીએ, ખૂબ લાડ લડાવીએ પણ એની સાથે સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂર પડે ત્યાં સખતી પણ બતાવવી જરૂરી હોય છે. અમારી વખતે શાળામાં શિક્ષકે કાઈ સજા કરી હોય તો ઘરે જઈને કાઈ કહીએ જ નહિ કારણકે જો કહીએ તો ઘરેથી પણ બે ઝાપટનું ઈનામ મળે.
કેટલીક શાળાઓમાં બાળકોને શાળાની કે મેદાનની સફાઈ કરવાનું કામ સોંપ્યું હોય કે શાળાના બીજા કોઈ નાના મોટા કામ વિદ્યાર્થીઓ પાસે કરાવ્યા હોય તો જાણેકે મોટો અનર્થ થઈ ગયો હોય એમાં બધા ચારે બાજુથી તૂટી પડે. ‘બાળકો પાસે ગધા મજૂરી કરાવે છે’ ના ગીત ગાતાં માણસો અને મીડિયાને એ વાત કેમ નહિ સમજાતી હોય કે બાળકો પાસે ક્યારેક ક્યારેક કરાવવામાં આવતી આ મજૂરી જીવન શિક્ષણનો બહુ મોટો પાઠ છે. જે દેશોની શિક્ષણ પદ્ધતિ અને સમૃદ્ધિના વખાણ કરતા આપણે થાકતા નથી એ દેશોએ આવા કામોને શિક્ષણનો એક અતિ મહત્વનો ભાગ ગણાવ્યો છે.
બાળકો પાસે શાળામાં નાના નાના કામો નહિ કરાવીએ તો નવી પેઢી આવા કામોને સાવ સામાન્ય અને હલકા સમજતી થઈ જશે અને હંમેશા પોતાની જાતને આવા કામોથી અળગા રાખવાનો પ્રયાસ કરશે જે બહુ મોટી સમસ્યા બની જશે. જૂની પેઢીના માણસ ગમે એટલા મોટા પદ પર પહોંચી જાય કે ગમે એટલા મોટા માણસ બની જાય તો પણ અમુક કામ કરવામાં ક્યારેય સંકોચ નથી અનુભવતા. જો ધ્યાનથી જોવાનો પ્રયાસ કરશો તો તમને સ્પષ્ટપણે દેખાશે કે નવી પેઢી ખૂબ તેજસ્વી હોવા છતાં એનું તેજ શ્રમ પ્રત્યેની સુગને કારણે ઝાંખું પડી જાય છે.
શ્રીરામ અને એમના ત્રણે ભાઈઓ ચક્રવર્તી સમ્રાટના પુત્રો હતા, કૌરવો અને પાંડવો ભારતના સૌથી મોટા રાજ્યના રાજકુમારો હતા, શ્રીકૃષ્ણ મથુરા નરેશના દોહિત્ર હતા અને મથુરા પર વિજય પ્રાપ્ત કરનાર વિજેતા હતા. આ બધા જ્યારે અભ્યાસ માટે ગુરુકુળમાં ગયા ત્યારે કોઈના વાલીઓ ફરિયાદ કરવા નથી ગયા કે તમે અમારા બાળકો પાસે આવા કામ કેમ કરવો છો ? કારણકે એમને ખબર હતી કે રાજા બનવા માટે સારા માર્કસ જ નહિ બીજું ઘણું બધું જરૂરી છે તેમ પૂર્વ સ્પીપા ના હેડ શૈલેષભાઈ શગપરીયા એ સોશ્યલ મીડિયા ઉપર વિગતે જણાવેલ છે.
Recent Comments