fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી તાલુકાના પ્રતાપપરા અને અમરપુર (વરુડી) ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી ઉપરાંત વિકાસ યાત્રામાં છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. અમરેલી તાલુકાના પ્રતાપપરા અને અમરપુર (વરુડી) મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતુ. ગામના નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને હર્ષભેર આવકાર્યો હતો. પ્રતાપપરા અને અમરપુર ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર તેમજ વિગતે વિવિધ યોજનાકીય માહિતી લોકોને આપવામાં આવી હતી.

      પ્રતાપપરા અને અમરપુર મુકામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આઈ.સી.ડી.એસ. સહિતની યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ‘મેરી કહાની-મેરી ઝુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો.

     પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સમગ્ર દેશમાં અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી રહી છે. આયુષ્માન કાર્ડ ધરાવતા દરેક નાગરિકની આરોગ્ય સુરક્ષા હવે સુરક્ષિત બની છે. કેન્સર ગ્રસ્ત, હ્યદયને લગતી બિમારીઓ સહિતના વિવિધ રોગ ધરાવતા દર્દીઓ માટે આયુષ્માન કાર્ડ આશિર્વાદરુપ બનીને સહાય કરી રહ્યું છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) થકી દેશની મહિલાઓને રાંધણ ગેસની સુવિધા મળી છે અને હવે રસોડાઓ ધુમાડામુક્ત થયા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પ સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ નિહાળ્યો હતો.

       નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ અમરપુર (વરુડી) ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રાર્થના હોલનાં બાંધકામનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. આગામી સમયમાં પ્રાથમિક શાળા અમરપુર ખાતે રુ. ૫ લાખના ખર્ચે પ્રાર્થના ખંડનું નિર્માણ થશે.

       પ્રતાપપરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંબોધન કરતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ કે, નલ સે જલ યોજના અંતર્ગત ઘર-ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. વંચિતો, ગરીબો અને મહિલાઓ સહિતના લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ યોજનાકીય લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.

      પ્રતાપપરા અને અમરપુર (વરૂડી) ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, ગામના સરપંચશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી મંત્રીશ્રી, ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts