વિધાનસભાના નાયબ મુ્ખ્ય દંડક કૌશકિભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને મોટા આંકડીયા ખાતે કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ના રથ પરિભ્રમણ કરી રહ્યા છે. આ કડીના ભાગરુપે સોમવારે અમરેલી તાલુકાના મોટા આંકડીયા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ૮૬૭ નાગરિકોના સ્વાસ્થ્યની તપાસણી આરોગ્ય કેમ્પ અંતર્ગત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત તમામ ૮૬૭ વ્યક્તિઓની ટી.બી. રોગ અંગેની પણ ચકાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમના માધ્યમથી ”મારુ ભારત” અંતર્ગત ૧૫૦ સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા સ્થળ પર નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે ૦૩ આયુષમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થળ પર નવા ૧૧ આયુષમાન કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. ગામના ૦૫ વ્યક્તિઓની પી.એમ.યુ.વાય. હેઠળ નોંધણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના નિર્માણ હેતુથી યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન, “મેરી કહાની મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓનો વાર્તાલાપ થયો હતો અને છંટકાવ માટે ડ્રોનના ઉપયોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “ધરતી કહે પુકાર કે” નાટક દ્વારા પ્રાકૃતિક કૃષિ બાબતે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments