વિધાનસભામાં ગૃહની કાર્યવાહી છેલ્લા દિવસે રાત્રે ૧ઃ૩૭ વાગ્યા સુધી ચાલી
વિધાનસભામાં શહેરોમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક-૨૦૨૨ સરકારે બહુમતીના જાેરે પસાર કરાવી લીધુ છે. હવે આ કાયદો અમલમાં આવતા શહેરોમાં વસતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ભેંસ રાખવા લાયસન્સ લેવુ પડશે! નહી તો દંડ થશે, એફઆઈઆર પણ થશે. હકિકતમાં આટલી લાંબી ચર્ચા પાછળ વિપક્ષની રણનીતિ ગૃહમાં સત્તાપક્ષને થકવી નાખી સંખ્યાની દ્રષ્ટિએ લધુમતીમાં મુકવાનો હતો. પણ ભાજપના સિનિયર ધારાસભ્યો પણ છેક સુધી બેસી રહ્યા અને બહુમતીના જાેરે આ કાયદો પસાર થયો હતો.
૧૪મી વિધાનસભાનું બજેટ સત્ર ૧ એપ્રિલની રાતે ૧.૩૭ કલાકે પૂર્ણ થયુ હતું. અધ્યક્ષે ગૃહને અનિશ્ચિત મુદ્દત માટે મુલતવી રાખ્યુ હતું. સપ્ટેમ્બરમાં ફરીથી એક-બે દિવસનું ચોમાસું સત્ર મળવાની શક્યતા છે. આ વિધાનસભાની મુદ્દત ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીની છે. વહેલી ચૂંટણીની જાહેરાત કરવામાં નહીં આવે તો ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં થશે! વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની ૨૪ બેઠકો મળી અને કુલ ૧૧૫ કલાક ૧૫ મિનિટ કામ કર્યું હતું. આ સત્રમાં કુલ ૧૫૦ સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન મૌખિક જવાબો માટેના કુલ ૪૩૭૬ તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા હતા તે પૈકી કુલ ૯૦ પ્રશ્નો ઉપગ્રહમાં મૌખિક ચર્ચા કરવામાં આવી હતી. કુલ ૮૫૭ અતારાંકિત પ્રશ્નોના જવાબો સભાગૃહ નેટ પર મૂકવામાં આવ્યા હતા. સાથે જ કુલ ૮ સરકારી વિધેયકો પસાર કર્યા હતા તેમજ એક બિન સરકારી વિધેયક પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણ બિનસરકારી સંકલ્પો સભાગૃહમાં ચર્ચાયા હતા, તે પૈકી ૨ સંકલ્પોનો સભાગૃહ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. જ્યારે ૧ સંકલ્પનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.૧૪મી ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટ સત્રના છેલ્લા દિવસે મધ્ય પછી ૧ એપ્રિલે પણ ગૃહની કાર્યવાહી ચાલી રહી હતી. વિધાનસભા ગૃહમાં ૭૩થી વધુ ધારાસભ્યો હાજર હતા. અને રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) સંદર્ભે ચર્ચા ચાલી હતી. કદાચ આ બેઠકે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. આ વિધેયક પસાર થયા બાદ છેલ્લા દિવસના પ્રસ્તાવ પર એક કલાક ચર્ચા ચાલી હતી.
Recent Comments