fbpx
ગુજરાત

વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના 11 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

આજે અને આવતીકાલે એટલે કે બુધવાર અને ગુરુવારના રોજ બે દિવસ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, જે અંતર્ગત બુધવારના રોજ મળેલા વિધાનસભાના 2 દિવસીય વિશેષ સત્રમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બપોરના 12 વાગ્યે સત્ર શરૂ થતાની સાથે જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, આ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલાના અંતિમ સત્રોનો ગુજરાત વિધાનસભામાં આજથી પ્રારંભ થયો છે, ત્યારે 2 દિવસીય સત્રના પ્રથમ દિવસે જ વિવિધ પ્રશ્નોને લઈને વિપક્ષના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા અને આ રીતે કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.

‘ન્યાય આપો’, ‘ન્યાય આપો’ના કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચાર કર્યા હતા. જે દરમિયાન કેટલાક ધારાસભ્યો વેલમાં ઘૂસી ગયા હતા. ત્યારે અધ્યક્ષ નિમાબેન આચાર્યએ કોંગ્રેસના ધારાસભ્યોને જગ્યા પર બેસવા માટે ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રમાણે વિધાનસભામાં પ્રદર્શન નહીં કરી શકાય. જે બાદ આંદોલનો પ્રમાણે ચર્ચા કરવાનો સમય શૈલેષ પરમાર દ્વારા માંગવામાં આવ્યો હતો. વેલમાં ઘૂસી ગયેલા ધારાસભ્યોને સાર્જન્ટ ગૃહની બહાર લઈ ગયા હતા. વિપક્ષ નેતા સુખરામ રાઠવા ગૃહમાં બોલવા માટે ઉભા થયા હતા. આ સાથે જ સરકાર ખેડુત વિરોધી હોવાના વિપક્ષના ધારાસભ્યોએ આક્ષેપો કર્યા હતા અને નારા લગાવ્યા હતા. આ સાથે જ વિપક્ષી સભ્યોએ જુની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાના મુદે પોસ્ટર બતાવ્યા હતા અને પ્લે કાર્ડ સાથે નારાબાજી કરી હતી. ત્યારે જીતુ વાઘાણીએ કોંગ્રેસના ધારાસભ્યોના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા આગળ નિવેદન આપતા જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસે આ કર્મચારીઓના પ્રશ્નો વિશે વાત કરવાની વાત કરી, તો સરકાર પાસે તેની ચર્ચા કરવા માટે સમય નથી. પ્રજા મોઘવારીથી ત્રસ્ત છે તો તેની ચર્ચા નથી કરવી. અમારા ધારાસભ્યોએ આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  

અત્રે ઉલ્લેખનિય છે કે, વિધાનસભાનું સત્ર શરુ થતાંની સાથે જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હોબાળા દરમિયાન ગૃહની વેલમાં ધસી ગયા હતા. આથી આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. જે દરખાસ્તનો સ્વીકાર થતા કોંગ્રેસી ધારાસભ્યો કે જેઓ વેલમાં ઘુસી ગયા હતા તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અહીં સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના 11 ધારાસભ્યોની વાત કરીએ તો તેમાં જીગ્નેશ મેવાણી, કનુભાઈ બારૈયા, કાંતિભાઈ ખરાડી, નૌશાદ સોલંકી, ગેનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત, અમરીશ ડેર, પુના ગામીત, ચંદનજી ઠાકોર, ઈમરાન ખેડાવાલા અને બાબુ વાજાનો સમાવેશ થાય છે. આ 11 ધારાસભ્યોને હાલ તો એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે.

આ સમગ્ર ઘટના બાદ ગૃહમાં બીજા પ્રશ્ન પર ટૂંકી મુદ્દતની ચર્ચા શરૂ કરાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પુછેલા પ્રશ્નને લઈને બનાસકાંઠા અને જામનગર જીલ્લામાં કૃષિપાકને થયેલા નુકસાન પર ચર્ચા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts