વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ-૨૩ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિમાં આધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને નવીનતમ ટેક્નોલોજીનું જ્ઞાન મળી રહે, ખેડૂત હિતલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતોને પુરી પાડવા અને ખેડૂતોના સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ઉમદા પરિણામો ખેડૂતોને મળી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતેથી ‘રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩’ નો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રોટાવેટરના લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમોના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિક શ્રી ડૉ.તૃપ્તિબેન ડોડીયાએ, શ્રી અન્ન (મિલેટ)ના મહત્વ વિશે તેમજ કૃષિ વૈજ્ઞાનિક ડૉ.વી.એન.ગોહિલે, ખેતી ખર્ચમાં ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા વિષયક માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત અમરેલી તાલુકાના સૌ ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનને નિહાળ્યું હતુ. બે દિવસીય રવી કૃષિ મહોત્સવ-૨૩ના બીજા દિવસે એટલે કે આવતીકાલ તા.૨૫ નવેમ્બર, ૨૦૨૩ શનિવારના રોજ અમરેલી તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેશે. કાર્યક્રમમાં ઓર્ગેનિક મધ, કૃષક ભારતી કો-ઓપરેટિવ લી., જનસેવા કેન્દ્ર, આઈ.સી.ડી.એસ, શહેરી આરોગ્ય કેન્દ્ર, વૃદ્ધ સહાય, વિધવા સહાય, સેવાસેતુ, રેશનકાર્ડ અને આધારકાર્ડની કામગીરી, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સહિતના પ્રદર્શન સ્ટોલની વ્યવસ્થા પણ જનજાગૃતિ અર્થે કરવામાં આવી છે.
રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ સંબોધન કરતા જણાવ્યુ કે, ખેતીમાં પાકની વાવણીથી લઈને પાકના વેચાણ સુધી રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ દરેક લાભાર્થી ખેડૂત સુધી સરળતાથી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યુ કે, અમરેલી જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે માટે ફીડર સહિતની કામગીરી પ્રગતિમાં છે, ખેડૂતોને આગામી સમયમાં દિવસે પણ વીજ પુરવઠો મળતો થશે.
રવી કૃષિ મહોત્સવ-૨૩ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, સંયુક્ત ખેતી નિયામકશ્રી ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પંડ્યા, અગ્રણી શ્રી ધીરુભાઈ વાળા સહિત પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ અને ખેડૂતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments