ગુજરાત

વિધુર જેઠ સાથે શારીરિક સંબંધ રાખવા પરિણીતાને પતિ-નણંદ દબાણ કરતા ફરિયાદ

વડોદરામાં પુત્રનું સુખ આપી ન શકનાર પરિણીતાને વિધુર જેઠ સાથે શારીરિક સબંધ રાખવા પતિ અને નણંદ દ્વારા દબાણ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો. પતિ, જેઠ અને નણંદે ત્રાસ આપવાની હદ વટાવતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ કહેતો હતો કે, તું મારા વિધૂર ભાઇ સાથે શારિરીક સંબંધ રાખીશ તો મને કોઇ વાંધો નથી.

મહિલા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદની રહેવાસી જાનકી(નામ બદલ્યું છે )ના લગ્ન ૧૫ વર્ષ અગાઉ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીનગર-૨માં રહેતા કિશન રામબહાદુર ગુરંગ સાથે થયા હતા. ૧૫ વર્ષના લગ્ન જીવનમાં તેમને સંતાનમાં બે દીકરીઓ છે.
પુત્ર વાચ્છુક સાસરીયા જાનકી સાથે ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. અને પિયરમાંથી રૂપિયા ૧ લાખ લઈ આવવા માટે દબાણ કરતાં હતા. જાનકીએ પોતાનો સંસાર ન બગડે તે માટે રૂપિયા ૧ લાખની માંગણી પણ પૂરી કરી હતી. તેમ છતાં સાસરીયા ત્રાસ આપતા હતા.

એતો ઠીક જેઠ હરિબહાદુર ગુરંગની પત્નીએ પતિના ત્રાસના લીધે આપઘાત કર્યો હતો. પત્નીના આપઘાત બાદ જાનકી ઘરમાં એકલી હોય ત્યારે શારિરીક છેડછાડ કરી શારિરીક સંબંધ બાધવા દબાણ કરતો હતો. જાનકી આ અંગે પતિને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, ભાઇ વિધૂર છે. તેની સાથે શારિરીક સંબંધ રાખીશ તો મને કોઇ વાધો નથી. તેમ જણાવીને જેઠને સહકાર આપતો હતો.

આ ઉપરાંત પાડોશમાં રહેતી વિધવા તેમજ નણંદ દમયંતીબેન પણ તેનો મોટો ભાઈ વિધુર હોય સંબંધ રાખવા દબાણ કરતી હતી અને અમે કહીએ તે રીતે વર્તન નહીં કરે તો તને રાખવાના નથી. ત્યારબાદ પતિએ પિયરમાંથી ૧ લાખ રૂપિયાની માગ કરી હતી. જેથી મહિલાએ રૂપિયા પણ લાવી આપ્યા હતા.
મહિલા પોલીસે જાનકીએ આપેલી ફરિયાદના આધારે પતિ, નણંદ તથા જેઠ વિરુદ્ધ દહેજ પ્રથા અને સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Related Posts