વિમલભાઇ બારૈયાએ ‘કેક- પેસ્ટ્રી’ની જગ્યાએ પોતાના જન્મ દિવસની ઉજવણી ‘સેનેટાઇઝર, માસ્ક અને નાળિયેર પાણી’ના વિતરણ દ્વારા કરી
કોરોનાની બીમારી વિકરાળ સ્વરૂપ બનીને આજે આપણી સામે ઉભી છે. તેવાં સમયે આરોગ્ય અને તેને સંલગ્ન સેવાઓ રાજ્યના ખૂણે-ખૂણે સુધી પહોંચાડીને રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને કોરોનાની ગંભીર બીમારીમાંથી બહાર લાવવા માટે અહર્નિશ સેવાભાવથી કાર્ય કરી રહી છે.
તો તેની સાથે-સાથે સેવાભાવી સંસ્થાઓ અને નાગરિક સમાજ પણ દેશ પર આવી પડેલી આ મહામારીના સમયે તન-મન-ધન જે રીતે શક્ય બને તે રીતે મદદનો હાથ લંબાવી કાર્ય કરી રહ્યાં છે.
સામાન્ય રીતે લોકો તેમના જન્મ દિવસની ઉજવણી કેક કે પેસ્ટ્રીને કાપીને કે વિવિધ પ્રકારની ખાણીપીણી કે મોજ મસ્તી સાથે મિત્રો તથા સ્નેહીજનો વચ્ચે ઉજવીને શાનદાર રીતે કરતાં હોય છે.
પરંતુ ભાવનગરના એક નાગરિક વિમલભાઇ બારૈયાએ આજે તેમના ૪૦ માં જન્મ દિવસની ઉજવણી ધામધુમથી ઉજવવાનું મુલત્વી રાખી તેમનો જન્મ દિવસ ભાવનગરના લોકોને માસ્ક, સેનેટાઇઝર, મીથલીન બ્લ્યુની બોટલ, ઉકાળો તથા નારિયેળ પાણીના વિતરણ કરી સાદાઇથી ઉજવ્યો હતો.
ભાવનગર ફોટોગ્રાફર એસોસીએશનના પ્રમુખ અને ભાવનગર શાળા સંચાલક મંડળના સભ્ય એવાં વિમલભાઇ બારૈયા આ અંગે જણાવે છે કે, આ વર્ષે મારા અનેક કુટુંકબીજનો કોરોનાના ખપ્પરમાં હોમાઇ ગયાં છે. તેથી કોરોનાની વેદના શું હોય તે મેં પ્રત્યક્ષ નિહાળી છે.તેમાંથી મને આ સેવાભાવની પ્રેરણા મળી છે. લોકોની મુખ પર વસ્તુ મળ્યાંનો જે આનંદ મેં આજે જે રીતે નિહાળ્યો છે. તેનાથી મારા જન્મદિવસની ઉજવણી ખરાં અર્થમાં સાકાર થઇ છે.
તેમણે કહ્યું કે, દેશ જ્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હોય ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે આવી ઉજવણી કરવી યોગ્ય નથી. આવાં સમયે ભાવનગરના લોકો માટે શું થઇ શકે તેની મથામણ ચાલતી હતી ત્યારે મારા મિત્રો કાળુભાઇ જાબુચા હનુભાઇ ભરવાડ,મનસુખભાઇ, કામળભાઇ વગેરે મારી વ્હારે આવ્યાં. તેઓએ મને કહ્યું કે, આપણે તમારા સ્ટુડિયોની બહાર જ સ્ટોલ લગાવીને લોકોને માસ્ક, સેનેટાઇઝર, મીથલીન બ્લ્યુની બોટલ, ઉકાળો તથા નારિયેળ પાણીનું નિઃશૂલ્ક વિતરણ કરીએ.
આ વિચારને વધાવી લેતાં શ્રી વિમલભાઇએ આજે તેમના ૪૦ મા જન્મ દિવસની અનોખી ઉજવણી કરતાં રૂા. ૨૫ હજારના ખર્ચે માસ્ક, સેનેટાઇઝર, મીથલીન બ્લ્યુની બોટલ, ઉકાળો તથા નારિયેળ પાણીનું ભાવનગરના ફુલસર વિસ્તારમાં વિતરણ કર્યું હતું. તેમની સાથે તેમના મિત્રો પણ સેવાના આ કામમાં જોડાયાં હતાં.
વિમલભાઇએ કહ્યું કે, મારા ઘરવાળા તથા સ્વજનોનોએ પણ મારા આ કામને વધાવ્યું હતું. કોરોનાની બિમારીમાં લોકો જે રીતે હેરાન-પરેશાન થઇ રહ્યાં છે તે આપણાથી જોયું જાય તેમ નથી. ત્યારે બિનજરૂરી ભપકો અને દેખાડો ત્યજી જે આપણાં છે અને આપણી વચ્ચે છે તેમની તે પ્રભુ સેવાથી કંઇ કમ નથી. માનવ સેવા તે પ્રભુ સેવાના ન્યાયે લોકોની જે રીતે, જેટલી મદદ થાય તે કરવાનો ભાવ પણ તેમણે પ્રગટ કર્યો હતો.
આજે સવારે શરૂ કરેલું માસ્ક, સેનેટાઇઝર, મીથલીન બ્લ્યુની બોટલ, ઉકાળો તથા નારિયેળ પાણીનું વિતરણ માત્ર બે કલાકમાં જ પુરૂં થઇ ગયું હતું અને હજુ વધુ મીથીલીન બ્લ્યુ ની બોટલની લોકોની માંગણી જોતાં બીજી ૧૫૦ બોટલો પણ મંગાવી રાખી છે અને તેનું પણ આજે સાંજે જ હું વિતરણ કરી દેવાનો છું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
શ્રી વિમલભાઇએ કહ્યું કે, રાજ્ય સરકાર પણ આ મુશ્કેલીના સમયે આરોગ્ય સેવા ભાવના, કર્તવ્યપરાયણતા અને સમર્પિતના ત્રિવિધ ભાવથી કાર્ય કરીને કોરોનાની મહામારીથી ડૂબતી અનેક જિંદગીઓને બચાવીનું કાર્ફ કરી રહી છે. ત્યારે આપણી પણ ફરજ છે કે માતૃભૂમિ પર આવી પડેલ આ મુશ્કેલીના સમયમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક સેવા અને સમર્પણના ભાવથી જોડાશે તો જ આપણે કોરોનાની મહામારીને ભગાવવામાં સફળ થઇશું
Recent Comments