ગુજરાત

વિરમગામમાં ભાજપ મહિલા સભ્યના મકાનમાંથી દારુ મળ્યો

એક તરફ સરકાર રાજ્યમાં દારૂબંધીની મોટી-મોટી વાતો કરે છે અને બીજી બાજુ ભાજપના જ નેતાઓ દારૂની રેલમછેલ કરી રહ્યાં છે. વિરમગામમાં ભાજપ મહિલા સભ્યના મકાનમાંથી દારૂ મળી આવ્યો છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર એકના ભાજપ મહિલા સદસ્યના મકાનમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ભાજપના મહિલા સદસ્યનો પતિ મિહીર સીતાપરા હાથી તલાવડીમાં આવેલા મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતો હતો. જેની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડા પાડ્યાં હતાં. પોલીસે દરોડા દરમ્યાન ૧.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે પોલીસે મહિલા સદસ્યના પતિ મિહીરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હાલોલના શિવરાજપુર નજીક આવેલાં જીમીરા રિસોર્ટમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા પોલીસે પકડી પાડ્યાં હતાં. જેથી ભાજપની રાજકીય આબરૂનું ધોવાણ થયું હતું. શિસ્તબદ્ધ ગણાતા પક્ષ ભાજપે આ આખાય પ્રકરણમાં મૌન સેવ્યું હતું. પરિણામે કમલમમાં ગણગણાટ શરૂ થયો હતો.

Related Posts