વિશ્વના લોકતંત્રના જાેખમની સ્થિતિ સુધારવા ભારતનો સાથ જરૂરી : કમલા હેરીસ
:
અમેરિકન પ્રમુખ જાે બાઈડેન દ્વારા આયોજિત ક્વાડ જૂથની સૌપ્રથમ વ્યક્તિગત બેઠકમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા માટે વ્યક્તિગત બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે મુક્ત અને સમાવેશક ભારત-પેસિફિક પ્રદેશ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે અફઘાનિસ્તાન સહિત વર્તમાન વૈશ્વિક ઘટનાક્રમો અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓ સંરક્ષણ ઈક્વિપમેન્ટ અને ટેક્નોલોજીસના ક્ષેત્રમાં આદાન-પ્રદાન સહિત દ્વિ-પક્ષીય સલામતી અને સંરક્ષણ સહયોગ વધારવા પર સંમત થયા હતા. વડાપ્રધાન મોદીએ જાપાનને તેનું મૂલ્યવાન ભાગીદાર ગણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપપ્રમુખ કમલા રેલી સાથેની સૌપ્રથમ વ્યક્તિગત બેઠકમાં ભારત અને અમેરિકાને ‘સ્વાભાવિક સહયોગી’ ગણાવ્યા હતા. કમલા હેરિસે કહ્યું કે આખી દુનિયામાં જાેખમમાં મૂકાયેલા લોકતંત્રની સ્થિતિ સુધારવા માટે ભારતના સાથને ખૂબ જ મહત્વનો ગણાવ્યો હતો. આ સાથે વ્હાઈટ હાઉસમાં બંને નેતાઓએ લોકતંત્ર, અફઘાનિસ્તાન અને ભારત-પેસિફિક જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
તેમણે ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વ્હાઈટ હાઉસમાં ભારતીય મૂળના સૌપ્રથમ અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરીસ સાથે પ્રથમ વ્યક્તિગત બેઠક કર્યા પછી એક સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકાના મૂલ્યો એક સમાન છે, તેમના ભૌગોલિક-રાજકીય હિતો પણ એક સમાન છે. ભારત અને અમેરિકા વિશ્વના બે સૌથી મોટા અને સૌથી જૂના લોકતંત્રો હોવાનું નોંધતા મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશો મૂલ્યો એક સમાન છે અને તેમનો સહયોગ ક્રમશઃ વધી રહ્યો છે. મોદીએ કોરોનાના મુશ્કેલ સમયમાં ભારતને સતત સાથ આપવા બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. કમલા હૈરિસની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે, અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ પદે થયેલી આપની ચૂંટણી એક ઐતિહાસિક ઘટના બની રહી છે. આપ વિશ્વના અનેક લોકો માટે પ્રેરણા સ્રોત સમાન છો. કમલા હૈરિસને ભારત આવવાનું નિમંત્રણ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘ભારતના લોકો આપનું સ્વાગત કરવાની પ્રતિક્ષા કરી રહ્યાં છે. હું આપને ભારત આવવાનું નિમંત્રણ આપું છું.’ બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં આગેકૂચની પ્રશંસા કરી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યંે હતું કે, બંને નેતાઓએ કોરોના મહામારીને રોકવાના પ્રયાસો, ગંભીર બમારીઓની દવાના અવિરત પૂરવઠાની ખાતરી, ભારત-પેસિફિક પ્રદેશ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કમલા હેરિસે જણાવ્યું કે, આપણે આપણા દેશોમાં લોકતાંત્રિક સિદ્ધાંતો અને સંસ્થાનોની રક્ષા કરીએ તે જરૂરી છે. તેમણે જળવાયુ પરિવર્તનની ગંભીરતા અંગે પણ વાત કરી હતી. તેમણે ભારત દ્વારા કોવિડ-૧૯ની રસીની નિકાસની પણ પ્રશંસા કરી હતી અને ભારતનાં તે અભિયાનમાં સમર્થન તેમજ સહયોગ આપવાનો અમેરિકાને ગર્વ છે. ભારત પ્રતિદિન એક કરોડ જેટલી વ્યક્તિઓને રસી મુકવાની ઝૂંબેશ ચલાવી રહ્યું છે. તેની પણ તેઓએ પ્રશંસા કરી હતી. ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા સૈન્ય અને નાણાકીય પ્રભાવને અટકાવવા અમેરિકા એશિયામાં તેની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે એવા સમયે કમલા હેરિસે આ મુદ્દાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
Recent Comments