ગુજરાત

વીજ પુરવઠો ખોરવાઈ જવાના લીધે; ભાવનગરમાં ખાનગી શાળામાં ૮ થી ૧૦ વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ

ભાવનગરમાં કાળિયાબિડ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં ૮ થી ૧૦ વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ ગઈ હતી. આ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતાં-કરતા અચાનક બેભાન થઈ ગઈ હતી. તેમને ૧૦૮ મારફતે વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભાવનગરમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના લીધે આ વિદ્યાર્થીનીઓને ગભરામણ થઈ હોવાનું માનવામાં આવે છે. આ ઘટના બનતા કુટુંબીજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ વિદ્યાર્થીનીઓ ડીહાઇડ્રેશનના લીધે બેભાન થઈ હોવાનું તારણ નીકળી રહ્યુ છે. આમ છતાં પણ આ વિદ્યાર્થીનીઓની મેડિકલ તપાસ જારી છે. ડોક્ટરોની ટીમ તેની સઘન તબીબી ચકાસણી કરી રહી છે. તેમને બીજી કોઈ શારીરિક તકલીફ છે કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

જો કે, ખાનગી શાળામાં આ પ્રકારનો બનાવ પહેલી જ વખત બન્યો છે. તેના લીધે શાળાના સંચાલકો પણ ચોંકી ઉઠ્‌યા છે. તેઓનું કહેવું છે કે આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય બની નથી. હવે જો ડીહાઇડ્રેશનનું કારણ નીકળશે તો તેમને થોડા દિવસ માટે આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય તેમના માબાપને પણ તેમની આરોગ્ય જાળવણી માટે માર્ગદર્શન આપવામાં આવી શકે છે.

Related Posts