ગુજરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અણઘડ વહીવટનો વધુએ પુરાવો આવ્યો છે સામે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અણઘડ વહીવટનો વધુએ પુરાવો સામે આવ્યો છે. એલએલબીના અભ્યાસક્રમની ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષાના સીઆરપીસીના પ્રશ્નપત્રમાં ૨૦ જેટલી અને આઈપીઆરના પ્રશ્નપત્રમાં ૧૦ ભૂલ થઇ હોવાની ફરિયાદ અને લીગલ નોટિસ મળ્યા બાદ છેક ૩ મહિને ભાન થતા હવે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ બદલવામાં આવશે જેના કારણે જૂના માર્કસના આધારે એલએલએમમાં પ્રવેશ મેળવનાર અને સનદ માટે બારમાં રજુઆત કરનાર વિદ્યાર્થીઓની પરેશાની વધી ગઇ છે. યુનિવર્સિટી ભૂલ કરનાર પ્રોફેસર પંડ્યાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. યુનિવર્સિટીજી ફેબ્રુઆરી ૨૦૨૨માં એલએલબી સેમેસ્ટર ૫ની એમસીક્યુ આધારિત પરીક્ષા લીધી હતી. જેમાં સીઆરપીસીના પ્રશ્નપત્રમાં ૨૦ અને આઈપીઆર વિષયમાં ૧૦ પ્રશ્નોમાં ભૂલ હતી.

આ અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને માર્કશીટ અને ડીગ્રી પણ આપી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ માર્કશીટના આધારે એલએલએમમમાં પ્રેવશ પણ મેળવી લીધો હતો. વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ આપી દીધા હતા. જાે કે, બાદમાં બ્રહ્મજ્ઞાન થતાં યુનિવર્સિટી જાગી અને ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ પરત લઇને સુધારો કરી આપવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી આ પ્રકરણમાં ૩ મહિના સુધી કુંભકર્ણની માફક ઘોરતી રહેતા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થયો હતો. હવે પરિસ્થિતિ એવી થઇ છે કે,માર્કસમાં ફેરફાર થવાના કારણે સારા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને આ ભૂલોના કારણે મનપસંદ કોલેજમાં પ્રવેશ નહીં મળી શક્યો તો વિદેશ જનારા વિદ્યાર્થીઓની પણ માર્કશીટ બદલાતાં મુશ્કેલી વધી છે. ફેબ્રુઆરીમાં એલએલબીની પરીક્ષા હતી.

આ પરીક્ષાના બીજા દિવસે જ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે,સીઆરપીસી અને આઈપીઆર વિષયના પ્રશ્નપત્રમાં ભૂલ છે. ત્યારે વિવાદ થયો હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઇ કાર્યવાહી નહીં કહીને પરિણામ જાહેર કરી દીધુ હતું. પેપરોમાં ભૂલ હોવાનું સત્તાધીશો સારી રીતે જાણતા હોવા છતાં એલએલએમમાં પ્રોવિઝનલ પ્રવેશ આપી દેવાયા હતા. પછી એકાએક પ્રોવિઝનલ પ્રવેશ રદ કરી સુધારા સાથે કરવામાં આવ્યા હતા. સેમ ૫ના તમામ પેપરોની વાત કરીએ તો કુલ ૭૬ ભૂલ હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. વકીલની નોટિસ પણ અપાતાં યુનિ.એ ભૂલ સ્વિકારી ૩૫ માર્કસ આપવાનું નક્કી કર્યું હતું. આ પેપરો વિભાગના ડીન પ્રોફેસર વિમલ પંડ્યાએ કાઢ્યા હતા. ૧૨૦૦થી વધુ માર્કશીટ બદલવાનો બનાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં ગંભીર છે. ત્યારે આ પ્રોફેસરને બચાવવાને બદલે વિદ્યાર્થીના કેરિયાર સાથે મજાક કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ છે.

Related Posts