fbpx
ગુજરાત

વેપારીને લોન આપવાના બહાને મકાન બારોબાર અન્યને વેચી દીધુ

વડોદરામાં આર્થિક ભીંસમાં આવેલા ધો.૭ પાસ વેપારી ઠગ ટોળકીની ચુંગલમાં ફસાયા હતા.અને ઠગ ટોળકીએ તેમનું મકાન બારોબાર અન્યને વેચી દઇ તેની પર બેન્કમાંથી લોન લઈને વાપરી નાંખી હતી.જે અંગે રાવપુરા પોલીસે વેપારીની ફરિયાદ અરજી સ્વરૃપે લઇને ફાઇલ કરી દીધી હતી.જેથી,વેપારીએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.અને છેવટે પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે. પ્રતાપનગર રણમુક્તેશ્વર રોડ પર રહેતા અને લુહારી કામ કરતા બાબુભાઇ ખેતાભાઇ લુહારે પોલીસને જણાવ્યું છે કે,વર્ષ-૨૦૧૩ માં હું આર્થિક ભીંસમાં આવી ગયો હતો.મારે વ્યાજે લોન લેવાની જરૃરિયાત ઉભી થઇ હતી.

તે દરમિયાન જાહેરાત વાંચીને મેં રાજેન્દ્ર સોની નો સંપર્ક કર્યો હતો.રાજેન્દ્ર ઉર્ફે રાજુ મણીલાલ સોની (રહે.નીલકંઠ મહાદેવ મંદિર પાસે,દાંડિયાબજાર)એ મને ભરોસો આપતા કહ્યું હતું કે,તમારી પ્રોપર્ટીના અસલ કાગળો લઇને તમે કુબેરભુવન ખાતે આવી જાવ.તમને પાંચ લાખની લોન અપાવી દઇશું.મારી માલિકીનું મકાન ડભોઇરોડ રાજનગર સોસાયટીમાં છે.તેના અસલ દસ્તાવેજાે લઇને હું કુબેરભુવન ગયો હતો.ત્યાં મને રાજુ સોનીના અન્ય બે સાથી મિત્રો (૧) કૌમીલ ચમનભાઇ મોદી (રહે.યશ કોમ્પલેક્સ,ગોત્રી) તથા (૨)યોગેન્દ્રસિંહ ભારતસિંહ રાણા (રહે.સહેલી પાર્ક,ન્યુ સમા રોડ) મળ્યા હતા.તેમણે મારી પાસેથી મકાનના કાગળો અને પાસપોર્ટ સાઇઝના ફોટા લીધા હતા.તેમણે જણાવ્યું હતું કે,તમારી મિલકત સામે તમને બેન્કમાંથી લોન મળશે.તેમના કહેવા પ્રમાણે મેં સહીઓ કરી આપી હતી.મારા નામનું પંજાબ નેશનલ બેન્કની માંજલપુર શાખામાં એકાઉન્ટ ખોલાવ્યું હતું.રાજુ સોની ચેકબૂક લઇને આવ્યો હતો.અને ચેક પર મારી સહીઓ કરાવી લીધી હતી.

ટૂંક સમયમાં તમારી લોન મંજૂર થઇ જશે અને તમારા ઘરે આવીને અમે રૃપિયા આપી જઇશું.તેવું કહીને તે જતો રહ્યો હતો. લાંબાસમય સુધી લોનના રૃપિયા નહી આવતા મેં રાજુ સોનીને મળીને વાત કરતા તેણે મને કહ્યું હતું કે,તમારી લોન થાય નહી.જેથી,મેં તેમની પાસે મારી પ્રોપર્ટીના કાગળો પરત માંગ્યા હતા.પરંતુ,તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.ત્યારબાદ ગત મે મહિનામાં મને જાણ થઇ હતી કે,રાજેન્દ્ર,કૌમીલ તથા યોગેન્દ્રસિંહ લોન કૌભાંડમાં પકડાયા છે.જેથી,મેં મારા પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટની વિગતો મેળવતા મને જાણ થઇ હતી કે,તા.૧૯-૧૦-૨૦૧૩ ના રોજ મારા એકાઉન્ટમાં ૧૩.૫૦ લાખ રૃપિયા જમા થયા હતા.અને અલગ અલગ તારીખે મારા એકાઉન્ટમાંથી ચેક મારફતે ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,મારી પ્રોપર્ટીનો તા.૧૪-૧૦-૨૦૧૩ ના રોજ રાજેશ્રી જીતેન્દ્રભાઇ કંદોઇ (રહે.શ્યામસુંદર સોસાયટી,વાઘોડિયા રોડ)ના નામે થઇ ગયો હતો.અને તે દસ્તાવેજના આધારે આર.વી.દેસાઇ રોડની દેના બેન્કમાંથી ૧૩.૫૦ લાખની લોન લઇ તે રૃપિયા પંજાબ નેશનલ બેન્કના મારા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. મેં આ ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરવા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.પરંતુ,પોલીસે મારી અરજી લઇ ફાઇલ કરી દીધી હતી.તેની સામે મેં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.અને હાઇકોર્ટના હુકમ પછી ફરિયાદ દાખલ થઈ હતી.

Follow Me:

Related Posts