વેબ સિરીઝ ‘સ્કેમ ૨૦૦૩ઃ ધ તેલગી સ્ટોરી’ નું ટીઝર લોંચ થયું૩૦,૦૦૦ કરોડનાં કૌભાંડ પર બની ‘સ્કેમ ૨૦૦૩ ઃ ધ તેલગી સ્ટોરી’
ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચાવનાર હર્ષદ મહેતાના સ્ટોક માર્કેટ કૌભાંડ પર આધારિત કલ્ટ વેબ સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨’ બનાવનાર હંસલ મહેતા હવે બીજા એક કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૩માં અબ્દુલ કરીમ તેલગી નામના કૌભાંડીએ રૂ. ૩૦,૦૦૦ કરોડનું સ્ટેમ્પ પેપર કૌભાંડ કર્યું હતું. આ કૌભાંડ પરથી હંસલ મહેતા અને તુષાર હિરાનંદાનીએ ‘સ્કેમ ૨૦૦૩ઃ ધ તેલગી સ્ટોરી’ નામની વેબ સિરીઝ બનાવી છે. શુક્રવારે આ સિરીઝનું ટીઝર લોંચ થયું હતું. ૧ મિનિટ ૨૬ સેકન્ડનું આ ટીઝર ૧૯૯૨નાં હર્ષદ મહેતાના કૌભાંડની ઝલક સાથે શરૂ થાય છે. ત્યારબાદ ૨૦૦૩નું રૂ. ૩૦,૦૦૦ કરોડનું કૌભાંડ બતાવવામાં આવે છે. ટીઝરમાં કૌભાંડનાં માસ્ટરમાઇન્ડ અબ્દુલ કરીમ તેલગીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. હંસલ મહેતાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મિડીયા હેન્ડલ પર ટીઝર અપલોડ કરીને કેપ્શનમાં લખ્યું છે, ‘લાઇફ મેં આગે બઢના હૈ તો ડેરીંગ તો કરના પડેગા ના ડાર્લિંગ.!’ ૨ સપ્ટેમ્બરથી આ સિરીઝનું સ્ટ્રિમિંગ કરનાર સોની લિવે પણ ટીઝર અપલોડ કરીને લખ્યું છે, “ખેલ બડા થા, ઔર ખિલાડી…! અબ્દુલ કરીમ તેલગી દ્વારા ભારતના સૌથી મોટા કૌભાંડોમાંના એકની કહાની, જેણે દેશને હચમચાવી નાખ્યો.” સિરીઝમાં ગગનદેવ રિયારે તેલગીની ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હંસલ મહેતાની વેબસિરીઝ સ્કૂપ ઓટીટી પર રિલીઝ થઈ હતી. તેલગીનાં ટીઝરની ભારે પ્રશંસા થઈ રહી છે.
Recent Comments