વ્યકિત સે બડા દલ, ઔર દલસે બડા રાષ્ટ્રની ભાવના ભાજપનો આત્મા છે : ડો. ભરત કાનાબાર
પક્ષના કાર્યકરો બદલાતા રાજકીય અને સામાજીક પ્રવાહોથી અવગત રહે, પક્ષની વિચારધારાને બરાબર સમજે – આત્મસાત કરે અને ચુંટણીના સારા – નરસાં પરિણામોની અસરથી મુકત રહે એવા વિવિધ હેતુથી ભાજપમાં કાર્યકરોના અભ્યાસ વર્ગો સમયાંતરે યોજાતા હોય છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્ધારા, મંડલ અને જીલ્લા કક્ષાના અભ્યાસ વર્ગો સફળતાપૂર્વક પુરા કરાયા બાદ હવે પક્ષ દ્ધારા તેના વિવિધ મોરચાના અભ્યાસ વર્ગો ચાલી રહયા છે. આજરોજ, અમરેલી ખાતે સૌરાષ્ટ્ર ઝોનના મહિલા મોરચાના અભ્યાસ વર્ગમાં, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા, પ્રદેશ મંત્રી ભાવનાબેન ગોંડલીયા તથા વિવિધ જીલ્લામાંથી આવેલ મહિલા મોરચાના જવાબદાર હોદૃેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલ અભ્યાસ વર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ કાનાબારે, ''વર્ગની ભૂમિકા અને આપણી કાર્ય પધ્ધતિ'' વિષય પર વકતવ્ય આપેલું હતું. ડો. કાનાબારે પોતાના વકતવ્યમાં ૧૯પ૧માં જનસંઘની સ્થાપનાથી લઈ, વર્તમાન ભાજપની ૭ દાયકાની વિકાસયાત્રાના ઈતિહાસના રસપ્રદ તબકકાઓનું વર્ણન કરી, ભાજપ શા માટે બીજા પક્ષો કરતાં અલગ છે – ''પાર્ટી વીથ એ ડીફરન્સ'' – તેના વિવિધ પાસાઓની ચર્ચા કરી. રાષ્ટ્રવાદ, લઘુમતિના તૃપ્તિકરણને જાકારો, સુશાસન અને છેવાડાના માનવીની ચિંતા સાથે સાથેની વિકાસ યાત્રાને ભાજપની સફળતાના મુખ્ય કારણો જણાવી, કાર્યકર્તાનું નિર્માણ, કાર્યકર્તાનો વિકાસ અને કાર્યકર્તા સંભાળ એ ભાજપની કાર્યપધ્ધતિના મહત્વના પાસાંઓ છે તે ઉદાહરણો સાથે સમજાવ્યું. સંગઠૃન વધુ વ્યાપક બને તે માટે પ્રવાસ અને પ્રત્યક્ષ સંપર્કનું શું મહત્વ છે તે સમજાવતાં ડો. કાનાબારે ટવીટરના જમાનામાં ટીફીન બેઠકો, ફેસબુકની સાથે સાથે ફેસ ટુ ફેસ સંપર્ક અને વ્હોટસઅપની સાથે સાથે ગામના વડીલો સાથેના વાર્તાલાપ પર ભાર મુકયો. વકતવ્યના અંતમાં ડો. કાનાબારે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો કે આઝાદીની લડાઈ લડવાનું આપણાં ભાગે આવ્યું નથી એટલે દેશ માટે મરવાનું સૌભાગ્ય ભલે પ્રાપ્ત ના થયું હોય પણ દેશ માટે જીવી શકીએ તેવી મળેલ તકનો ઉપયોગ કરી, નિરંતર પક્ષ અને રાષ્ટ્ર માટે કામ કરતાં રહીએ.
Recent Comments