fbpx
ગુજરાત

શંખેશ્વર શ્રુતમંદિર માં દીક્ષા મહોત્સવ સંપન્ન યાત્રીકુમારી બન્યા સાધ્વીશ્રી યુગપ્રજ્ઞાશ્રીજી

શંખેશ્વરની ઉર્જાભૂમિ પ્રવચન શ્રુતતીર્થના પ્રાંગણે સૂરિરામચન્દ્ર સામ્રાજ્યવર્તી સિદ્ધહસ્તલેખક પૂ. ગુરુદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા, શ્રુતરક્ષાપ્રેરક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં વાવ પંથકના માડકાના વતની ચીમનલાલ હંસરાજભાઈ પરિવાર ડીસાની ચિ. મુમુક્ષુરત્ના યાત્રીકુમારી મેઘકુમાર મહેતાનો દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. તેઓએ પ્રભુવીરે પ્રરુપેલા સંયમધર્મની સાધના કરવા સંસારના અસાર સુખોનો ત્યાગ કરી દીક્ષા જીવન અંગિકાર કર્યું હતું.

શ્રુત મંદિર ખાતે વિશાળ સંખ્યક આમંત્રિત મહેમાનો સંઘજનોની ઉપસ્થિતિમાં સવારે 9 કલાકે દીક્ષા પ્રસંગ શરૂ થયો હતો અને બપોરે 2:30 કલાકે પરિપૂર્ણ થયો હતો. છતાં અનુષ્ઠાન ભવન છેક સુધી ભરાયેલું રહ્યું. યાત્રીકુમારીને નૂતન નામ પૂ. સાધ્વી શ્રી યુગપ્રજ્ઞાશ્રીજી પ્રદાન થયું હતું. તેમના ગુરુજનો તરીકે પૂ. સાધ્વીશ્રી પાવન પ્રજ્ઞાશ્રીજીના શિષ્યા પૂ. સાધ્વીશ્રી નિર્મલપ્રજ્ઞાશ્રીજીની ઉદ્ઘોષણા કરવામાં આવી હતી. પ્રવચન શ્રુતતીર્થના ટ્રસ્ટીઓની અથાક મહેનતથી પ્રસંગ દીપી ઉઠ્યો. મહેતા પરિવારે ઉદારતાથી લાભ લીધો હતો.

દીક્ષાર્થીના સંસારી માતા-પિતા મમતાબેન મેઘકુમાર મહેતાની વર્ષો જૂની ભાવના પરિપૂર્ણ થતાં અપાર હર્ષ અનુભવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. રમેશભાઈ સંઘવીને સૌએ યાદ કરેલ તેઓની ભાણેજ યાત્રીની દીક્ષા શ્રુતમંદિરમાં ઉજવાય તેવી તેમની ભાવના સફળ થતા સૌના હૈયે આનંદનું મોજું ફરી વળ્યું હતું. તેમની ગેરહાજરી સૌને સાલી હતી.

Follow Me:

Related Posts