શત્રુઘ્નનો સવાલઃ દિલિપ કુમારને ભારત રત્ન કેમ નથી અપાયો?
દિલિપ કુમારના નિધનથી બોલીવૂડમાં અને લાખો ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. આ દરમિયાન સિનિયર એકટર અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ સવાલ ઉઠાવ્યો છે કે, દિલિપ કુમારને સૌથી વધારે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે, નેશનલ એવોર્ડ મળ્યા છે પણ તેમને ભારત રત્ન કેમ આપવામાં આવ્યો નથી?
શત્રુઘ્ને કહ્યું, ભારતીય સિનેમાનો આખરી બાદશાહ જતો રહ્યો છે.એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું, આપણે રાજકપૂર અને દેવ આનંદને ગુમાવી દીધા છે.આ ઘા ભરાયા નથી અને હવે સિનેમાના આખરી બાદશાહે પણ વિદાય લીધી છે. દિલિપ કુમાર દુર્લભ એક્ટર હતા. શો બિઝનેસ ચાલતો રહેશે પણ તે પહેલા જેવો નહીં હોય.
તેમણે કહ્યું, દિલિપ કુમારની હું બીજા સાથે સરખામણી કરવા નથી માંગતો પણ એવા બીજા પણ છે જેમને ભારત રત્ન આપવમાં આવ્યો છે.દિલિપ કુમારને સરકારે ૧૯૯૧માં પદ્મ ભૂષણથી અને ૧૯૯૪માં દાદા સાહેબ ફાલકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. જ્યારે ૨૦૧૫માં દિલિપ કુમારને પદમ વિભૂષણ આપવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું, દિલિપ કુમારને હંમેશા ટ્રેજેડી કિંગ કહેવામાં આવે છે પણ તેમનુ પરદા પરનુ ટાઈમિંગ જબરદસ્ત હતુ.તેઓ કોમેડી કરવામાં પણ એટલા જ માહેર હતા.આઝાદ અને ગંગા જમનામાં તેમની કોમેડી જબરદસ્ત હતી.
શત્રુઘ્ન સિંહાએ ક્રાંતિ ફિલ્મમાં દિલિપ કુમારની સાથે કામ કર્યુ હતુ. તે વખતે દિલિપ કુમારે મારી પ્રશંસા કરી હતી. જે મને આખી જિંદગી યાદ રહેશે. હું સેટ પર તેમની પાછળ બેઠો હતો અને ડાયરેકટરે તેમને એક લાંબો ડાયલોગ આપ્યો હતો. દિલિપ કુમારને હું પાછળ બેઠો છું તે ખબર નહોતી. તેમણે ડાયરેક્ટરને કહ્યું હતું, હું શત્રુઘ્ન સિંહા નથી કે દસ મિનિટ લાંબો ડાયલોગ યાદ રાખી શકું. હું આ સાંભળીને ઉઠ્યો હતો અને તેમને ભેટી પડ્યો હતો.
Recent Comments