સૌરાષ્ટ - કચ્છ

શનિ જન્મસ્થળ હાથલા ખાતે શનિ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે : શનિજયંતિના દિવસે હાથલા ગામ જય શનિદેવના નાદથી ગુંજી ઉઠશે

પોરબંદર નજીક હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. જ્યાં દર વર્ષે શનિજયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શનિદેવનું જન્મસ્થળ હાથલા ગામે હોવાથી અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને સોમવતી અમાસ અને શનિજયંતિના અનોખા સંયોગને લઇને શનિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે પોરબંદરથી પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક સંસ્થાના સહયોગથી પદયાત્રીઓને ચા-નાસ્તો સહિતની સુવિધા આપવામાં આવે છે.


 હાથલા ગામે શનિજયંતિના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આગામી તા.૩૦ મે ને સોમવારના (સોમવતી અમાસ) રોજ શનિદેવ જન્મજયંતિ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. જેમાં વહેલી સવારે પૂજા ત્યારબાદ ધ્વજા રોહણ, આરતી, ભોજન-પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિદેવ મંદિરના સંચાલકો અને પૂજારી દ્વારા શનિજયંતિના દિવસે શ્રદ્ધાળુઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શનિજયંતિના દિવસે ભગવાન શનિદેવની પૂજા-અર્ચના કરવાથી વિવિધ રાશીના જાતકોને પનોતીમાંથી રાહત મળે છે. આથી શનિજયંતિના દિવસે હાથલા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શનિદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આ સોમવતી અમાસ અને શનિજયંતિના દિવસે હાથલા ખાતે શનિદેવના મંદિરને નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે ત્યારબાદ વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિજયંતિના દિવસે શ્રદ્ધાળુઓ શનિકુંડમાં સ્નાન કર્યા બાદ પોતાના બૂટ-ચંપલ ત્યાં છોડી પનોતી ઉતારે છે અને ત્યારબાદ શનિદેવને તલ, અળદ સહિતની સામગ્રી અર્પણ કરી પૂજા-અર્ચના કરી અને આરાધના કરશે. સવારથી જ શનિદેવના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળશે જે મોટી સાંજ સુધી યથાવત જોવા મળશે. શનિજયંતિના દિવસે હાથલા ગામ જય શનિદેવના નાદથી ગુંજી ઉઠશે. 

Related Posts