શહીર શેખ સીરિયલ ‘પવિત્ર રિશ્તા ૨.૦’માં ‘અર્ચના’નો ‘માનવ’ બનશે
એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી દિવંગત સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ તે સમયે હિટ રહી હતી. જેમાં સુશાંતે ‘માનવ’ તો અંકિતાએ ‘અર્ચના’નું પાત્ર ભજવી હતી. આ એ જ સીરિયલ હતી જેના કારણે સુશાંત અને અંકિતા ઘર-ઘરમાં જાણીતું નામ બન્યા હતા. સુશાંત સિંહ રાજપૂત ભલે આ દુનિયામાં નથી, પરંતુ ‘માનવ’ તરીકે હજી પણ લોકો તેને જ ચાહે છે. ‘પવિત્ર રિશ્તા’ ફરીથી દર્શકોનું મનોરંજન પૂરું પાડવા માટે આવી રહી છે પરંતુ એક નવા ટિ્વસ્ટ સાથે, જેનું નામ હશે ‘પવિત્ર રિશ્તા ૨.૦’.
અંકિતા લોખંડે ફરીથી અર્ચના તો ઉશા નદકારણી સવિતા તાઈનો રોલ નીભાવવાની હોવાનું પહેલાથી જ નક્કી હતું. પરંતુ માનવનું પાત્ર કયો એક્ટર ભજવશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી હતી. જાે કે, હવે તેના પરથી પડદો ઉઠી ગયો છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો હેન્ડસમ હંક શહીર શેખ ‘અર્ચના’નો ‘માનવ’ બનવાનો છે. આ વાતની પુષ્ટિ ડિરેક્ટર આદિત્ય સુરન્નાએ કરી છે. સીરિયલની બીજી સીઝન ટીવી પર નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની છે.
આદિત્યએ જણાવ્યું, ‘શો ‘પવિત્ર રિશ્તા ૨.૦’ એ સંપૂર્ણ ડિજિટલ છે. પ્રામાણિકતાથી કહું તો, આ દરેક માટે પડકાર છે. જે ટાસ્ક છે તે માત્ર મારા માટે નથી પરંતુ જે એક્ટર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે તેમના માટે પણ છે. અમે પહેલાથી જ એક બેંચમાર્ક સેટ કરી દીધો છે. તેથી આ નવા શોમાં જે કંઈ દેખાડવામાં આવે તે લોકો માટે નવું હોવું જાેઈએ. અમારી પાસે બેંચમાર્ક છે. પરંતુ તે માત્ર મારા માટે નહીં પરંતુ એક્ટર્સ, ડિરેક્ટર્સ તમામ માટે છે. અંકિતા અર્ચના બનશે જ્યારે ઉષા મેડમ સવિતા તાઈ બનશે. આપણે તમામે તેમને જાેયા છે અને પ્રેમ પણ આપ્યો છે. પરંતુ બાકીના એક્ટર્સ માટે પડકાર છે. ખાસ કરીને શહીર માટે માનવનું પાત્ર’.
શહીર શેખને માનવના રોલ માટે કેમ પસંદ કરવામાં આવ્યો તે અંગે આદિત્યે ઉમેર્યું, ‘નસીબ પણ છે, પોપ્યુલારિટી પણ છે. એકતા મેડમે આ શોને આઈકોનિક બનાવ્યો હતો. તેમણે પહેલાથી જ ઈતિહાસ રચ્યો છે. તેથી, કોણ કયા પાત્ર માટે શ્રેષ્ઠ રહેશે તે તેમાંથી વધારે સારી રીતે કોણ જાણે’. ‘પવિત્ર રિશ્તા’ ૨૦૦૯માં શરૂ થઈ હતી અને ૨૦૧૪માં ઓફ-એર થઈ હતી.
Recent Comments