અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ જે અમરેલી જિલ્લાની જનતાના આરોગ્યની જીવાદોરી સમાન જિલ્લા મથકની શહેરમાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે જયા જિલ્લા ભરમાંથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો પોતાના અકસ્માત કે રોગચાળા ગ્રસ્ત થયેલ સ્વજનોને બચાવવા માટે તાત્કાલિક અમરેલી લઈ આવે છે પરંતુ અહીં આવતા જ ડોક્ટરોનો અભાવ છે જેથી અમુક રોગ અથવા તાત્કાલિક સારવાર માટે ડોક્ટરો ઉપલબ્ધ નથી હોતા જેથી કરીને અહીં ટ્રોમા સેન્ટર (તાત્કાલિક સારવાર વિભાગ) માં હાજર ડોક્ટરો કોઈપણ રોગ હોય કે અકસ્માત હોય મેનેજમેન્ટના ઇશારે રાજકોટ કે ભાવનગર રીફર કરવાની પેરવી માં જ હોય છે અને જ્યારે એ દર્દીઓ રાજકોટ કે ભાવનગર જાય છે ત્યારે એ દર્દીઓને રાજકોટ કે ભાવનગરની હોસ્પિટલના ડોક્ટરો દ્વારા એવું સંભળાવવામાં આવે છે કે તમારે ત્યાં પણ મેડિકલ કોલેજ છે અને અહીં પણ મેડિકલ કોલેજ છે તો તમે અહીં રીફર શા માટે થાવ છો અમરેલી જિલ્લા મથક અને મેડિકલ કોલેજ હોવા છતાં પણ ત્યાં સુવિધા કેમ નથી..???
અને અમુક રોગો જેવા કે કાન નાક ગળાના ડોક્ટરો વગેરે માત્ર મંગળવાર કે ગુરૂવારના રોજ જ મળે છે તો શું અમરેલી જિલ્લામાં કોઈ બાળક કે મોટા વડીલને ગળામાં કાંઈ ફસાઈ જવું કે કાનમાં કાંઈ તકલીફ થવી ત્યારે અમરેલી સિવિલમાં તાત્કાલિક સારવાર આપવાને બદલે અહીં ડોક્ટર હાજર ન હોવાનું અને પ્રાઇવેટ ડોક્ટરોના એડ્રેસ આપે છે જો પ્રાઇવેટ ડોકટરો પાસે જ જવું હોય તો લોકો અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવે શા માટે..??
શાંતાબા અમરેલી મેડિકલ જનરલ હોસ્પિટલમાં ડીલેવરી માટે જિલ્લાભરમાંથી મહિલાઓ આવતી હોય અને અહીં બ્લડ બેન્ક હોવા છતાં પણ બ્લડની વ્યવસ્થા પણ રખાતી નથી અને દર્દીઓને બ્લડ લઈ આવવા દબાણ કરવામાં આવે છે. તેમજ સોનોગ્રાફી માત્ર દર ગુરુવારે કરવામાં આવે છે અન્યથા રોજ માટે દર્દીઓને બહાર સોનોગ્રાફી કરવા મોકલવામાં આવે છે તેમજ લેબોરેટરી પણ બહાર કરવા મોકલવામાં આવે છે જ્યાં 700 થી 1500 નો ચાર્જ લેવામાં આવે છે અને દર્દીઓને અકસ્માત કે રોગિષ્ઠ અવસ્થામાં સ્વજનો દ્વારા ફેરવવા મુશ્કેલ થઈ જાય છે છતાં પણ ના છુટકે બહાર સોનોગ્રાફી કરવા જવું પડે છે જેથી દર્દીઓ તેમજ તેના સ્વજનો ખૂબ જ હેરાન પરેશાન થાય છે, તેમજ રોજબરોજ અમુક દવાઓ બહારથી લખી દેવામાં આવે છે જે ખૂબ જ મોંઘી હોય છે છતાં પણ ના છુટકે સ્વજનોને આવી દવાઓ બહારથી વધુ પૈસા ખર્ચીને પણ લેવી પડે છે.
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલું હોવા છતાં પણ દર્દીઓને હાલમાં પણ જુના બિલ્ડિંગમાં દાખલ કરવામાં આવે છે જ્યાં લિફ્ટની સુવિધા નથી તેમજ ઉભા ટોયલેટ કે સારા બેડની સુવિધા નથી જેથી દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે વ્હીલ ચેર અથવા સ્ટ્રેચરમાં ઉપરના માળે લઈ જવા પડે છે જેથી ઘણીવાર દર્દીઓ પડી પણ જાય છે છતાં પણ શા માટે હજી પણ મેનેજમેન્ટ દ્વારા એ જૂના બિલ્ડિંગમાં દર્દીઓને દાખલ કરવામાં આવે છે એ ખબર નથી પડતી..!!!
આ વિશે ડોક્ટરો તેમજ સિવિલ સ્ટાફને દર્દીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે તો દર્દીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને મેનેજમેન્ટ ને ફરિયાદ કરો એવું કહેવામાં આવે છે હવે અહીં જિલ્લાભરમાંથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના માણસો જ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે જે લોકો બિચારા પોતાના સ્વજનોને સંભાળે કે આવી રીતે મેનેજમેન્ટને વારંવાર ફરિયાદ કરતા ફરે..???
તાજેતરમાં જ આ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા મોતિયાના ઓપરેશન કરેલ દર્દીઓને હોસ્પિટલની લાપરવાહીના કારણે આંખો ગુમાવવાનો વારો આવ્યો છે અને બારેક જેટલા દર્દીઓ સંપૂર્ણ અંધાપાનો ભોગ બન્યા છે એ માટે પણ સરકારમાં લોકોએ કેટલીય રજૂઆત કરી હોવા છતાં હજુ પણ કાંઈ કાર્યવાહી થયેલ નથી..!!!
આ હોસ્પિટલની પાછળ આવેલ રોડ જે લાઠી રોડ પર નીકળે છે તે અડધા અમરેલીને જોડતો છે ત્યાંથી પણ 108 વગેરે એમ્બ્યુલન્સ સેવાઓ આવે છે પરંતુ એ રોડ મેનેજમેન્ટ દ્વારા બંધ કરી દેવાના ઇરાદે ઘણા સમયથી બનાવવામાં આવતો નથી જેથી ત્યાં ફૂટ ફૂટના ખાડા હોય ત્યાંથી એમ્બ્યુલન્સ ચલાવવી તેમજ દર્દીઓને લાવવા ખૂબ જ મુશ્કેલ છે આનો પણ તાત્કાલિક નિવેડો લાવવો ખૂબ જ જરૂરી છે.
ખબર નથી પડતી કે પ્રોપર અમરેલીમાં આટલા મંત્રીઓ તેમજ જિલ્લાના ધારાસભ્યો હોવા છતાં પણ અમરેલી જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે એકમાત્ર જીવાદોરી સમાન આ હોસ્પિટલ પ્રત્યે ખાસ ધ્યાન દઈ અને સુવિધાઓ ઉભી શા માટે કરાવતા નથી..??
અને અમરેલી જિલ્લાભરની જનતાને પોતાના સ્વજનોને મફત સારવાર કરાવવી હોય છે પરંતુ અહીં તો રાજકોટ કે ભાવનગર લઈ જવા મજબૂર થવું પડે છે. જેથી ઉલટા નો વધારે ખર્ચો થાય છે અને પોતાના ધંધા રોજગાર બંધ કરીને રાજકોટ કે ભાવનગર સ્વજનો સાથે રહેવું પડે છે..!!!
આ બાબતે સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમરેલી જિલ્લાની જનતાની આરોગ્યની સુખાકારી માટે તાત્કાલિક પગલાં લઈ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં લોકોને ઉપયોગી તમામ સુવિધાઓ અપાવે.
*ભાર્ગવભાઈ મહેતા*
*આમ આદમી પાર્ટી, અમરેલી*
Recent Comments